પર્યાવરણ જાગૃતિ ક્ષેત્રે અનોખો પ્રયોગ કરતી પાલગામ સ્થિત શાળા ક્રમાંક 319
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક 319 માં પર્યાવરણ જાગૃતિના હેતુસર ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્થાપન કરવામાં આવ્યું છે. શાળા પરિસરમાં આવેલ વડના ઝાડની અંદર જ શ્રી ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ ગણેશના વિસર્જન માટે કોઈ પાણી, તળાવ કે દૂર સુધી જવાની જરૂર નથી, બસ ઝાડના થડમાં જ ગણેશજીની આકૃતિ બની ગઈ છે. જેની વિદ્યાર્થીઓ દ્વારા સવાર સાંજ આરતી ઉતારાય છે અને દર્શનાર્થીઓને પર્યાવરણ જાગૃતિનો સંદેશ મળે છે. આજરોજ સુરત શહેર ભાજપના મંત્રી શ્રી કાળુભાઈ ભીમનાથ, અત્રેના કોર્પોરેટર ઉર્વશીબેન પટેલ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના ઉપાધ્યક્ષ સ્વાતિબેન સોસાએ શાળામાં આવી આ ટ્રી ગણેશાની આરતી ઉતારી હતી. પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપનાર આ ગણેશ સ્થાપના બદલ તેઓએ શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ પરમારને અભિનંદન પાઠવ્યા હતા. કોરોના કાળના બે વર્ષને બાદ કરતા છેલ્લા ત્રણ વર્ષથી આ રીતે ઝાડની અંદર જ ગણેશનું સ્થાપન કરવામાં આવે છે અને આ રીતે પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવે છે. આ વિશિષ્ટ પ્રકારના ગણેશ સ્થાપનને જોવા માટે વાલીઓ પણ કુતુહલ વશ રીતે આવે છે અને દર્શન કરીને આનંદિત થાય છે.