તાપી ગૌરવ : ચિમકુવા પ્રાથમિક શાળાના આચાર્યનું શ્રેષ્ઠ રાજ્ય શિક્ષક પારિતોષિકથી સન્માન કરાયું

Contact News Publisher

રાજ્યના શ્રેષ્ઠ સારસ્વતોને રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના વરદ્ હસ્તે શાલ ઓઢાડી બહુમાન કરાયું
………………………
(માહિતી બ્યુરો વ્યારા) તા.૦૫- તાપી જિલ્લાને “શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય” પારિતોષક નું ગૌરવ અપાવનાર ચિમકુવા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદિપકુમાર રમણભાઈ ચૌધરીનું અમદાવાદ ખાતે સન્માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે શાલ ઓઢાડી,પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયું હતું.
માન.રાજ્યપાલશ્રીએ શિક્ષકદિન નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન વેળાએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે અદ્યાપક જલતા હુઆ ચિરાગ હૈ,કાશ વો અપને આપકો પહેચાને,શિક્ષક પ્રકાશ કી જ્યોત હૈ વો નઈ જ્યોત પ્રજવલિત કરતા હૈ. માનવીના નિર્માણમાં સૌથી કઠીન ભૂમિકા શિક્ષક અદા કરે છે.વધુમાં મૂલ્ય શિક્ષણથી બાળકને આત્મનિર્ભર બનાવી,સ્વદેશી અપનાવી ભારતને વિશ્વગુરૂ બનાવવા સૌ શિક્ષકોને રાજ્યપાલશ્રીએ આહવાન કર્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે શિક્ષા આપણે જીવીએ ત્યાં સુધી ચાલે છે.ભગવાન સુધી પહોંચવા માટે પણ ગુરૂની જરૂર પડે છે. ગુરૂ બધી સમસ્યાનું નિરાકરણ લાવે છે. કંકરમાંથી શંકર બનાવવા એ શિક્ષણની તાકાત છે.
પ્રદિપભાઈ ચૌધરીએ શિક્ષણ,સેવા,યોગ અને સંગીત ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે. વર્ષ ૨૦૧૯ થી બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ,૧૯૯૫- (ગોલ્ડ મેડલ) BAPS સુરત દ્વારા સત્સંગ પરીક્ષામાં પ્રથમ,૨૦૧૦- સાયન્સ સીટી ગાંધીનગર ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્ય કક્ષાએ,૨૦૧૬,૨૦૧૮ અને ૨૦૧૯ શિક્ષક યોગાસન સ્પર્ધામાં રાજ્યકક્ષાએ,૨૦૧૯- શ્રેષ્ઠ શિક્ષક-ચિત્રકૂટ એવોર્ડ (પૂ.મોરારી બાપુ) ના હસ્તે, ૨૦૨૧-આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત લોકગીત સ્પર્ધામાં રાજ્યકક્ષાએ,૨૦૨૨- હર ઘર તિરંગા હેઠળ વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાનું થીમ સોંગ માં પોતાનો કંઠ આપ્યો જેને માન.મુખ્યમંત્રીશ્રીના વરદ્ હસ્તે લોન્ચ કરાયું હતું. જે સૌથી વધુ લોકોએ નિહાળ્યું. ત્યારબાદ જુદા જુદા ગાયકો દ્વારા આ ગીત ગવાયુ અને તમામ માધ્યમોની મદદથી સવા કરોડ લોકો સુધી આ ગીત પહોંચ્યું હતું.
શાળાના વિકાસ માટે દાતાઓ સાથે સંપર્ક કરી ગ્રામજનો સાથે સંકલન કરી હંમેશા પ્રદિપભાઈ આદિવાસી વિસ્તારની કાયાપલટ માટે મહત્વનું યોગદાન આપી રહ્યા છે. આચાર્ય તરીકે શાળા અને સમાજ ની સાથે રહી લોકભાગીદારીથી પ્રદિપભાઈએ ચિમકુવાની આજુબાજુની ૧૦ શાળાઓમાં સમાજસેવાની ઉત્કૃષ્ઠ કામગીરી કરી છે. રાજ્યના શ્રેષ્ઠ પારિતોષક થી બિરદાવવા બદલ તેમણે વહીવટીતંત્ર,શિક્ષણ વિભાગ,શાળા પરિવાર, વતન ગોડધા-કલકવા ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other