સિવિલમાં મહિનામાં જ ડેન્ગ્યુના દર્દી બમણા થઈ ગયા
(સુશાંત શીંદે દ્વારા, સુરત) ; શહેર-જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં જુલાઈની સરખામણીમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા બમણી નોંધાઈ છે. ઉપરાંત સ્મીમેર અને ખાનગી હોસ્પિટલોમાં પણ મલેરીયા, ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
શહેર અને જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થતા પાલિકા અને જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. મચ્છરજન્ય રોગચાળાને પગલે સિવિલ, સ્મીમેર હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં દેખીતી રીતે વધારો જોવા મળી રહ્યો છે.
સિવિલ હોસ્પિટલની જ જો વાત કરીએ તો જુલાઈની સરખામણીમાં ઓગસ્ટમાં ડેન્ગ્યુના કેસ બમણા નોંધાયા છે. જુલાઈ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ડેંગ્યુના 26 કેસ નોંધાયા હતા. જેની સામે ઓગસ્ટ મહીનામાં 51 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, શહેરના ઘણા ખરા વિસ્તારોમાં હાલમાં મચ્છરોનો ક્ષાસ વધી ગયો છે. ખાસ કરીને વરસાદે વિરામ લેતાં સમસ્યા વકરી છે.