લાલા લજપતરાય બાગની દીવાલ તોડી આખરે ડામર રોડ શરૂ કરાયો
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : હાલમાં મેટ્રો ટ્રેનની કામગીરીને પગલે ચોકના લાલા લજપતરાય ગાર્ડન આસપાસના વિસ્તારમાં ટ્રાફિકની સ્થિતિ વિકટ બની ગઈ છે, જ્યારે ગાર્ડન પાસે અસામાજિક તત્ત્વોનો અડ્ડો પણ બની ગયો હોવાથી ગાર્ડનની દીવાલ તોડીને વૈકલ્પિક રસ્તો બનાવવા કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે પાલિકામાં રજૂઆત કરી હતી. ત્યાર બાદ અહીં રસ્તો બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
શનિવારે ગાર્ડનમાં પેવર રોડ બનાવાયો હતો, તેથી કમાલ ગલીથી જૂની સિવિલ પાછળ ચારાગલીથી મક્કાઇ પુલ તરફ અને સાગર હોટલથી જિંગા સર્કલ નાનપુરા તરફ જઈ શકાશે. આ સાથે જ સોનીફળિયા અને ગોપીપુરા તરફ પણ જઈ શકાશે. મહત્ત્વની બાબત એ છે કે, આ રસ્તો બનતાં ટ્રાફિક સરળ બન્યો છે તેમજ અસામાજિત તત્ત્વોના અડ્ડામાંથી પણ છુટકારો મળશે. ઉનકડટે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં થતાં દબાણો પણ દૂર કરાશે અને આવનારા દિવસોમાં ચારાગલી તેમજ સાગર હોટલની ગલીનાં દબાણો પણ હટાવાશે.