લોનની રકમ જમા થતાં જ ઉપાડી લેતા ઠગ એજન્ટને ચેક બાઉન્સ કેસમાં સજા
(સુશાંત શીંદે દ્વારા, સુરત) ;-ચેક બાઉન્સના એક વિચિત્ર કેસમા કોર્ટે આરોપી લોન એજન્ટને 2 વર્ષની સજા અને ચેકની રકમ વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો છે. એજન્ટે ફરિયાદીના ખાતામાં લોનની રકમ જમા થતાં જ સિક્યુરિટિ ચેકના દુરુપયોગ વડે ઉપાડી લીધી હતી. 2015માં ગોડદારા મણીરત્નમ રો હાઉસમાં રહેતા મનોહર પાટીલે ધંધા માટે લોન લેવા એજન્ટ ભાવિક પટેલ અને તેના સાગરીત ધર્મેશ પડસાળાને મળ્યા હતા. બંનેએ મનોહરને ચોલામંડળ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સમાંથી લોન પાસ થઈ ગયેલાંનો લેટર બતાવી કોરા સહિવાળા ચેક લઇ લીધા હતા.
આ દરમિયાન લોનની રકમ જમા થતાં જ સિક્યુરિટી ચેક મારફતથી લોનની રકમ મેળવી લીધી હતી. આ મામલે મનોહર પાટીલે સલાબતપુરા પોલીસ મથકમાં ચિટિંગ-વિશ્વાસઘાતની ફરિયાદ કરી હતી. પોલીસ કેસ થયા બાદ આરોપીઓએ હોઇકોર્ટમાંથી જામીન મેળવ્યા હતા અને બાદમાં ફરિયાદી સાથે સમાધાન કરી લેવા પણ વિનંતી કરી હતી અ્ને જે રકમ મેળવી હતી તેની ચુકવણી પેટે ચેક આપ્યા હતા જે બાઉન્સ થતાં વકીલ વિનય શુકલા મારફત ફરિયાદીએ કેસ કરી દીધો હતો. જેની સુનાવણી બાદ કોર્ટે આરોપી ભાવિકકુમાર જયંતિ પટેલને બે વર્ષની સજા, રૂપિયા 5.72 લાખની રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.