વ્યારા ખાતે કેન્દ્રિય હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રીશ્રી કૌશલ કિશોરજીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
સરકાર કી યોજનાઓમે લાપરવાહી નહીં હોની ચાહિએ, દેશ કે નિર્માણ મે સબકો લગના પડેગા : – કેન્દ્રિય હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રીશ્રી કૌશલ કિશોરજી
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨૯- તાપી જિલ્લાના વ્યારા ખાતે ભારત સરકારના કેન્દ્રિય હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રીશ્રી કૌશલ કિશોરજીના અધ્યક્ષ સ્થાને માજી કેબીનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા,સાંસદ પરભુભાઈ વસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા, કલેકટરશ્રી એચ.કે. વઢવાણિયા સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડમાં યોજનાકીય કામગીરીની સમિક્ષા બેઠક યોજાઈ હતી.
મંત્રીશ્રી કૌશલ કિશોરજીએ સમીક્ષા બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે “યે ક્ષેત્ર મેં બહુંત અચ્છા કામ હુઆ હૈ, કેન્દ્ર ઔર રાજ્ય સરકારકી બહુંત અચ્છી યોજનાએ ચલ રહી હૈ.લેકિન સરકારકી યોજનાઓમે લાપરવાહી નહીં હોની ચાહિએ. દેશ કે નિર્માણ મેં સબકો લગના પડેગા” આપણા દેશના પ્રધાનમંત્રીશ્રી ગુજરાતનું સૌભાગ્ય છે. તેઓ દેશને નવી ઉંચાઈએ લઇ જવા માટે ૧૮ કલાક કામ કરે છે. આયુષ્યમાન કાર્ડ,આવાસ યોજના,કિસાન સન્માન નિધિ,મનરેગા સહિત અનેક યોજનાઓ અમલમાં છે. પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે કે હિન્દુસ્તાનના છેલ્લામાં છેલ્લા નાગરિક સુધી આવાસ યોજનાનો લાભ મળે તે માટે આપણે સૌએ પ્રયાસ કરવાનો છે.WHO દ્વારા ૨૦૩૦ સુધીમાં ટીબીના રોગને જાકારો આપવાનો છે. પરંતુ પ્રધાનમંત્રીએ ૨૦૨૫ સુધીમાં ભારતમાંથી ટીબીને નાબુદ કરવા કટીબધ્ધતા વ્યક્ત કરી છે. જે આપણાં સૌના સાથ માટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારત દેશ આત્મનિર્ભર બનીને ૨૦૪૬ સુધીમાં સંપૂર્ણ વિકસીત દેશ હશે.
માજી કેબીનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ આદિવાસી વિસ્તારના કુલ ૩ પ્રાણપ્રશ્નો વહેલી તકે ઉકેલવા ચર્ચા કરતા જણાવ્યું હતું કે જંગલ જમીનની અરજીઓ તાલુકા,પ્રાંત કચેરીમાં છે. જેમાં સેટેલાઈટ ને બદલે મેન્યુઅલી નિર્ણય લેવાય તો લોકોના પ્રશ્નોનો ઝડપથી હલ થશે. તાપી જિલ્લામાં વિસ્થાપિતોનો પ્રશ્ન અને સુગર ફેકટરીનો પ્રશ્ન શક્ય એટલી ઝડપે ઉકેલાય તે માટે સૂચન કર્યું હતું. જયારે બાંધકામ સમિતિ ચેરમેન નિતિનભાઇ ગામીતે રેલ્વે ઓવરબ્રીજનો પ્રશ્ન તાકીદે ઉકેલવા રજૂઆત કરી હતી.
કલેકટરશ્રી એચ.કે. વઢવાણિયાએ જિલ્લાની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે વસ્તીની સરખામણીમાં ફીમેલ રેશિયો ૧૦૦૭ જેટલો છે.પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં ૯૦ ટકા સિધ્ધિ મેળવી છે. અર્બન વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૬૧.૪૩ સિધ્ધિ મેળવી છે. PM સ્વનીધિ લોન અરજીમાં ૯૯ ટકા સિધ્ધિ મેળવી છે. મનરેગા યોજનામાં રજીસ્ટર્ડ થયેલા કુલ- ૪૧૦૫૨૨ પૈકી કુલ જોબકાર્ડ ધારકો ૧૯૬૫૧૦ અને એકટીવ વર્કર ૧૪૮૩૫૪ છે. વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૪.૭૪ લાખ માનવદિન રોજગારી મળી છે. જેમાં રૂા.૬૯.૩૨ લાખ ચુકવણુ થયું છે. નેશનલ ફુડ સિક્યુરીટી હેઠળ અનાજ આપવામાં આવે છે. પ્રધાનમંતરી ઉજવલા યોજના હેઠળ ૭૦,૫૬૧ મહિલાઓને ફ્રી ગેસ કનેકશન અપાયા છે. ICDS યોજનામાં મહિલાઓ અને ધાત્રી માતાઓ માટે પોષણસુધા યોજના અને મુખ્યમંત્રી માતુશક્તિ યોજના તથા બાળકો માટે દુધ સંજીવની યોજના અમલી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના તથા સિંચાઈ માટે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ તળાવ પૈકી ૨૦ તળાવોનું નિર્માણ કરાયું છે.
સાંસદશ્રી પરભુભાઈ વસાવાએ માંડલ ટોલનાકાને મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે રાખવામાં આવે તો સ્થાનિક પ્રજાજનોના વર્ષો જુના પ્રશ્નનું નિરાકરણ માટે રજૂઆત કરી હતી.આભારવિધિ નિવાસી અધિક કલેકટર આર.જે.વલવીએ કરી હતી.
આ સમિક્ષા બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ નિયામક અશોક ચૌધરી, પ્રાંત અધિકારી રાજેશ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.એચ. રાઠવા, જિલ્લા પુરવઠા અધિકારી સાગર મોવાલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પાઉલ વસાવા, ચીફ ઓફિસર વ્યારા દર્પણ ઓઝા, ચીફ ઓફિસર સોનગઢ, સંગઠન પ્રમુખ વિક્રમભાઈ તરસાડિયા, પંકજભાઈ ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦