1 લાખ દહેજ નહીં આપતાં પતિએ 6 વાર તલાક બોલી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : -ડિંડોલીમાં ત્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. જેમાં 21 વર્ષીય પરિણીતા પાસેથી પતિ અને સાસુ તેમજ નણંદે દહેજમાં 1 લાખની રકમ પિયરમાંથી લાવવા દબાણ કરી ઝધડો કરતા હતા. ઉપરથી પતિએ પત્નીને મારઝૂડ કરી છ વાર તલાક બોલી ઘરમાંથી કાઢી મુકી હતી. આથી પરિણીતાએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે પતિ શાકીર બસીર શેખ, સાસુ હસીના બસીર શેખ અને નણંદ સમીના મુન્ના શેખ(ત્રણેય રહે,ભેસ્તાન આવાસ,ડિંડોલી) સામે ગુનો નોંધ્યો છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું કે તેના લગ્ન વર્ષ 2019માં થયા હતા અને સંતાનમાં બે બાળકો છે.
પરિણીતાને પતિએ કહ્યું કે ‘કોઈ પણ દહેજ આપ્યા વગર તારા પરિવાર વાળાએ સમુહ લગ્નમાં નિકાહ કરાવી દીધા છે. માર્કેટમાં મંદી છે, તારા અબ્બાના ઘરેથી એક લાખ રૂપિયા લઈ આવ, હાલમાં કોઈ કામ ધંધો નથી અને મારી પાસે રૂપિયા પણ નથી અને પૈસા લાવવાની નહીં હોય તો ત્યાંજ રહીશ’, એમ કહી ઝધડો કરી મારઝૂડ કરતો હતો. પરિણીતાની બીજા સંતાનની ડિલિવરી વખતે પતિ કામધંધો કરતો ન હોય જેના કારણે સાસુએ ઘરમાંથી કાઢી મુકયા હતા. આથી પરિણીતા પતિ સાથે ભેસ્તાન આવાસમાં ભાડેથી રહેતી હતી.
10મી ઓગસ્ટે મોહરમના દિવસે પરિણીતાના ઘરે સાસુ અને નણંદ આવ્યા હતા અને પતિએ તે દિવસે કારણ વગર પરિણીતા સાથે ઝધડો કર્યો હતો. આ ઝધડાને કારણે પરિણીતાની માતા પણ દોડી આવી હતી. પતિએ પરિણીતાને માર મારી 6 વાર તલાક બોલી ઘરમાંથી કાઢી મુકી હતી. હાલમાં પરિણીતા માતા સાથે રહે છે. તેમજ યુવતીના 2 બાળકો પણ છે. નોંધનીય છે કે, પતિ કોઈ પણ કારણ વગર મહિલા સાથે ઝઘડો કરી મારઝૂડ કરતો હતો.