આજે નેશનલ સ્પોર્ટસ ડે : તાપી જિલ્લાનું રમત ગમત ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય
જિલ્લા, રાજ્ય, રાષ્ટ્ર સ્તરે તાપી જિલ્લાના ખેલાડીઓનો દબદબો:
………………..
વર્ષ 2021થી આજદિન સુધી 25 ગોલ્ડ, 12 સિલ્વર અને 9 બ્રોંઝ મેડલ વિવિધ સ્તરે તાપી જિલ્લાના ખેલાડીઓએ મેળવ્યા
………………..
તાજેતરમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ 7 ગોલ્ડ, 06 સિલ્વર અને 05 બ્રોંઝ મેડલ તાપી જિલ્લાને નામ છે
………………..
-આલેખન-વૈશાલી પરમાર
(માહિતી બ્યુરો, વ્યારા, તાપી) :- ૨૮: આજે 29 ઓગસ્ટ “નેશનલ સ્પોર્ટસ ડે”-ભારતમાં હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગષ્ટ 1905માં અલ્હાબાદમાં થયો હતો. તેઓએ હોકીમાં વિશ્વકક્ષાએ ભારતનું નામ રોશન કર્યુ હતું તેથી તેમના જન્મ દિવસને “નેશનલ સ્પોર્ટસ ડે જાહેર” કરવામાં આવ્યો હતો. આજે સમગ્ર દેશ આ દિવસ ઉજવી રહ્યો છે. તાપી જિલ્લો રમત ગમત ક્ષેત્રે નિશ્ચિત પણે ઉજ્જવળ ભવિષ્ય ધરાવે છે. આ બાબત આટલી દ્રઢતાથી જણાવવાનું કારણ છે જિલ્લાના ખેલાડીઓએ મેળવેલા મેડલ્સની યાદી.
*તાપી જિલ્લા રમત ગમત વિભાગના જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલના જણાવ્યા અનુસાર, તાપી જિલ્લામાંથી વર્ષ 2021થી આજદિન સુધી 25 ગોલ્ડ, 12 સિલ્વર અને 9 બ્રોંઝ મેડલ વિવિધ સ્તરે ખેલાડીઓએ મેળવ્યા છે.*
*આ વર્ષે યોજાયેલ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ તાપી જિલ્લાના મેડલમાં કૂલ-7 ગોલ્ડ, 06 સિલ્વર અને 05 બ્રોંઝ મેડલનો સમાવેશ થાય છે. જેમાં ખો ખોમાં – ૦૪ ગોલ્ડ, એથ્લેટીક્સ ૦૩ ગોલ્ડ, કબડ્ડીમાં – ૦૩ સિલ્વર, શૂટીંગમાં ૦૧ સિલ્વર, એથ્લેટીક્સ – ૦૨ સિલ્વર, જ્યારે એથ્લેટીક્સમાં – ૦૫ બ્રોંઝ મેડલ મેળવ્યા છે.*
*ખો ખો રમત જેમાં તાપી જિલ્લાની ટીમ સમગ્ર ગુજરાતમાં સૌથી સ્ટ્રોંગ ટીમ માનવામાં આવે છે. તાપી જિલ્લામાં ખો ખોની રમત દ્વારા ઉચ્ચ કક્ષાએ વિવિધ લીગમાં પસંદગી પામેલ ખેલાડીઓમાં “ખો ખો – અલ્ટીમેટ ખો ખો લીગ-૨૦૨૨માં ભાટ” ગોવીંદ, વેગડ વિજય, બરડે ઋષિત અને બહેનોમાં “ખો ખો – ઇન્ડિયા ટીમ કેમ્પ”માં ચૌધરી પ્રિયા આર અને ગામીત અર્પીતાનો સમાવેશ થાય છે.*
*ઉપરાંત ૩૬મી નેશનલ ગેમ્સમાં ગુજરાત રાજ્યની ખો ખો બહેનોની ટીમમાં તાપી જિલ્લાના 08 ખેલાડીઓ પસંદગી પામેલ છે.*
તાપી જિલ્લા માટે ગૌરવની બાબત છે કે, છેવાડાના આદિવાસી જિલ્લાના ખેલાડીઓ રમત ગમત ક્ષેત્રે નામના મેળવી તાપી જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે.
ગુજરાતમાં રમત ગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સહિત કરવા ખાસ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સ્પોર્ટ્સ એકેડમી શરૂ કરવામાં આવેલ છે. જેમાં એડમીશન મેળવવું દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે. આ એકેડમી ગુજરાતમાં હિંમતનગર એકેડમી, નડિયાદ એકેડમી, દેવગઢબારિયા એકેડમી, ભાવનગર એકેડમી એમ ચાર શહેરો ખાતે કાર્યરત છે. આ એકેડમીમાં વિવિધ રમતોના ખેલાડીઓને ઉચ્ચ સ્તરીય પ્રેક્ટિસ માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા એકેડમી કાર્યરત છે. જેમાં એથ્લેટિક્સ રમતની કુલ 04 એકેડમી ચાલુ કરેલ છે. જેમાં ખેલાડીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇ તેઓને 480/- પ્રતિ દિનનું ભોજન આપવામાં આવે છે. સ્ટાઇપેન્ડ રૂ.૭૫૦/-, વાર્ષિક સ્પોર્ટ્સ કીટ રૂ.૬૦૦૦/-અને રનિંગ તથા સ્પાઈક શૂઝ રૂ. ૧૨૦૦૦/-અને આંતરરાષ્ટ્રીય કોચ તથા ઉચ્ચ સ્તરીય નિષ્ણાતો દ્વારા કોચિંગ આપવામાં આવે છે. તથા તેઓને રમવા, રહેવાની, ભોજનની તમામ સુવિધાઓ સરકારશ્રી દ્વારા નિ:શુલ્સ આપવામાં આવે છે.
તાપી જિલ્લાના બે ખેલાડીઓ દેવગઢ બારીયા તથા હિંમતનગર એકેડમીમાં પસંદગી પામ્યા છે. આ ખેલાડીઓમાં ગામીત જય, ગામીત નિર્મલનો સમાવેશ થાય છે.
*ગામીત જય* તાપી જિલ્લાના વ્યારા તાલુકાના છીંડિયા ગામનો વતની છે. તેઓ એથલેટિકસ રમતના ખેલાડી છે. આજ દિન સુધી ગામીત જય કૂલ-05 ગોલ્ડ, કૂલ-03 સિલ્વર અને કૂલ-02 બ્રોન્ઝ મેડલ જીતી ચુક્યા છે.
*ગામીત નિર્મલ* તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાદડકુવા ગામનો વતની છે. તેઓ એથલેટિકસ રમતના ખેલાડી છે. આજ દિન સુધી નિર્મલ કૂલ-04 ગોલ્ડ, કૂલ-03 સિલ્વર અને કૂલ-04 બ્રોન્ઝ મેડલ જીતી ચુક્યા છે.
અત્રે નોંધનિય છે કે, તાપી જિલ્લામાં ટુંક સમયમાં આઠ એકર-કુલ 32,912 ચો.મી. જમીન ઉપર અંદાજિત રૂપિયા ૧૩.૬૨ કરોડના ખર્ચે તમામ સુવિધા સંપન્ન રમત ગમત સંકુલનું ભવ્ય નિર્માણ થનાર છે જે તાપી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેલાડીઓ માટે સ્પોર્ટસમાં કારકીર્દી બનાવવા માટે પ્રેરણારૂપ બનશે.
આ ઉપરાંત તાપી જિલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત ડી.એલ.એસ.એસ. સ્કૂલની પણ સુવિધા ઉપલબ્ધ છે. ગુજરાત રાજ્યની વિવિધ ડી.એલ.એસ.એસ. સ્કૂલોમાં આર્ચરી, એથ્લેટીકસ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, બોકસીંગ, ફેન્સિંગ, ફુટબોલ, જીમ્નાસ્ટીક, હેન્ડબોલ, હોકી, જૂડો, લોન ટેનિસ, શુટીંગ, સ્વીમીંગ, ટેબલ ટેનીસ, ટેકવોન્ડો, વોલીબોલ, કુસ્તી જેવી ઓલમ્પિક રમતો અને ચેસ, કબડ્ડી, ખોખો જેવી નોન ઓલમ્પિક રમતોની સુવિધા માટે ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને ચરિતાર્થ કરવા એક સંયોજીત યોજના જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ વર્ષ ૨૦૧૩-૧૪ થી અમલમાં મુકવામાં આવેલ છે. આ ડી.એલ.એસ.એસ. યોજના હેઠળ તાપી જિલ્લાના અનેક રમત વિરો વીના મૂલ્યે શિક્ષણ, પુસ્તકો અને લગતી સ્ટેશનરી, નિવાસ, ભોજન, શાળાનો ગણવેશ તેમજ રમતને અનુરૂપ અત્યાધુનિક સાધનો અને સ્પોર્ટસ કીટ વિગેરે લાભો મેળવી રહ્યા છે.
આ સમગ્ર આંક દર્શાવે છે કે તાપી જિલ્લો રમત ગમત ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય ધરાવે છે. ગુજરાત રાજ્યનો છેવાડાનો જિલ્લો તાપી મુખ્યત્વે પશુપાલન અને ખેતી ક્ષેત્રે આગળ છે. ત્યારે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ અને પ્રકલ્પોના માધ્યમથી યુવા વર્ગ માટે કારકિર્દીની અનેક તકો ઉભી કરવામાં આવી રહી છે. રમત ગમત ક્ષેત્ર આજે દેશનું સૌથી જીવંત ક્ષેત્ર છે. જ્યા ખેલાડી પોતાની પ્રતિભા દર્શાવી બખુબી ઉચ્ચ કારકિર્દી ઘડી શકે છે.
ગુજરાત સરકાર તથા રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રથમવાર યોજાનાર 36મી નેશનલ ગેમ્સ-2022નુ આયોજન આગામી તા.27-09-2022 થી તા.10-10-2022 સુધી ગુજરાત રાજ્યમાં થનાર છે. ત્યારે રમત ગમત ક્ષેત્રે તાપી જિલ્લાના ખેલાડીઓ ઉચ્ચ પ્રદર્શન કરશે એવી તાપી જિલ્લાતંત્ર અને રમત ગમત વિભાગ સહિત તમામ તાપીવાસીઓને પુરેપુરી ખાતરી છે.
0000000000000000