ડિંડોલીની મહિલાના મોર્ફ ફોટા વાયરલ કરી 10 હજારની ખંડણી માંગી
(સુશાંત શીંદે દ્વારા, સુરત) ;-ડિંડોલીની પરિણીતાએ 20 હજારની લીધેલી ઓનલાઇન લોન ભરપાઈ કરી હોવા છતાં ઠગ ટોળકીએ મહિલાને વોટસએપ અને અલગ અલગ મોબાઇલ નંબરોથી કોલ કરી વધુ 10 હજારની માંગણી કરી રૂપિયા ન આપે તો મોર્ફ કરેલા મહિલાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી મહિલાના પતિએ 10 હજાર આપ્યા હતાં તેમ છતાં મહિલાના મોર્ફ ફોટા સગા-સંબધીઓને વાયરલ કરી દીધા હતા. મહિલાએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે અલગ અલગ મોબાઇલનંબરોના ધારકો સામે ખંડણી અને આઈટી એકટનો ગુનો નોંધ્યો છે.
29 વર્ષીય મહિલા દુકાનમાં નોકરી કરે છે અને પતિ ઈલેક્ટ્રીકલનું કામ કરે છે. 13મી ઓગસ્ટે મહિલાના મોબાઇલમાં સોસીયલ મીડિયા પર ઓનલાઇન લોનની જાહેરાત હતી. આથી મહિલાએ ઓનલાઇન વિગતો ભરતાં એક મેસેજ આવ્યો હતો. જેમાં અપાયેલી માહિતી મુજબ મહિલાએ વિવિધ એપ્લીકેશનો ડાઉનલોડ કરી કુલ રૂ.20 હજારની ઓનલાઇન લોન લીધી હતી.