તાપી જિલ્લામાં ગણેશોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે અંગે જાહેરનામું
શ્રી ગણેશજીની પ્રતિમાઓ બેઠક સહિતની ૫ ફુટથી વધુ ઉંચાઇની બનાવી, વેચી કે સ્થાપના કરી શકાશે નહીં
………………
માહિતી બ્યુરો,વ્યારા,તાપી: 25 આગામી ગણેશોત્સવ દરમિયાન તાપી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી તથા જાહેર સુલેહ શાંતિ અને સલામતીનો માહોલ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જે.વલવી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
તાપી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ટૂંક સમયમાં ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થનાર છે. આગામી તા.૩૧/૦૮/૨૦૨૨ થી તા.૦૯/૦૯/૨૦૨૨ સુધી ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર હોઇ સ્થાપના બાદ ઘાર્મિક રીતિ રીવાજ મુજબ પ્રસંગ વિત્યા બાદ આ પ્રતિમાઓનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. દેવી દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં કેમીકલયુકત રંગોનો ઉપયોગ થતો હોય છે. આવી મૂર્તિઓને નદી તથા તળાવના પાણીમાં વિસર્જન કરવાથી પાણીમાં રહેતાં પાણીજન્ય જીવો, માછલી તેમજ મનુષ્યને પણ નુકશાન થાય છે. જેથી પાણી તથા પર્યાવરણમાં થતાં પ્રદુષણને અટકાવવા કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ગાઇડલાઇન મુજબ તેમજ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ વખતો-વખતના ઠરાવો અને નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ગણેશ ઉત્સવ તહેવારની ઉજવણીને લઇ આપવામાં આવેલ ગાઇડલાઇનને ધ્યાને લઇ આ તહેવારની ઉજવણી દરમ્યાન તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સાવચેતીના પગલા રૂપે નીચે મુજબનાં કૃત્યો ઉપર પ્રતિબધ મુકવામાં આવ્યા છે.
આ જાહેરનામા અનુસાર શ્રી ગણેશજીની પી.ઓ.પી./ફાયબરની મૂર્તિઓ પ્રતિમાઓ બેઠક સહિતની ૫ ફુટથી વધુ ઉંચાઇની બનાવવી નહી, વેચવી નહી, સ્થાપના કરવી નહી તથા જાહેર માર્ગ ઉપર પરીવહન કરવુ નહી.(પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમાઓનું નદીઓ/તળાવોમાં વિસર્જન કરવું નહિ. તેમજ કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિર્સજન કરવી નહી. કુત્રિમ તળાવો બનાવવાની તમામ કામગીરી સંબધિત ચીફ ઓફીસર તથા સંબંધિત ગ્રામ પંચાયતો દ્વારા કરવાની રહેશે. પ્રતિમાઓની બનાવટમાં અન્ય ઘર્મના લોકોની લાગણીઓ દુભાય તેવા ચિન્હો, નિશાનીઓ રાખવી નહિં. મૂર્તિકારોએ વધેલી તથા ખંડિત મૂર્તિઓ બિનવારસી હાલતમાં છોડી દેવી નહિ, મૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ પાણીમાં સહેલાઇથી ઓગળી શકે તેવા બિનઝેરી કુદરતી રંગોનો જ ઉપયોગ કરવો. ઝેરી અને ઉતરતી કક્ષાના રસાયણ કે કેમીકલ યુકત રંગોથી મૂર્તિને કલર કરવો નહી. મૂર્તિકારોજે જગ્યાએ મૂર્તિઓ બનાવે છે. તે જગ્યા તથા વેચાણની જગ્યાની આજુબાજુમાં ગંદકી કરવી નહી. તે અંગે સંબંધિત નગરપાલિકા તથા સક્ષમ સ્થાનિક અધિકારીએ તકેદારી રાખવી. તાપી જિલ્લા બહારથી મૂર્તિ ઓ લાવી વેચનાર મૂર્તિકારો વેપારીઓને પણ આ નિયમ લાગુ પડશે. પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર વિસર્જન કરવું નહિ.
આ જાહેરનામાનો ભંગ કરીને કોઇ મૂર્તિકાર કે વિક્રેતાઓ દ્વારા દેવી દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં પી.ઓ.પી., ભઠ્ઠીમાં સુકેલી ચીકણી માટી, ઝેરી અને ઉતરતી કક્ષાના સિન્થેટિક, રસાયણ કે કેમિકલ, ડાય યુકત રંગોનો ઉપયોગ કરેલી મૂર્તિઓ ધ્યાનમાં આવશે તો તે, સમયે કે વેચાણના સમયે જપ્ત કરવામાં આવશે.
પર્યાવરણ (એન્વાયરમેન્ટ પ્રોટેકશન) એકટ-૧૯૮૬ની કલમ-૫ મુજબ ગુજરાત પર્યાવરણ વિભાગ દ્વારા મળેલ સુચના અનુસાર નામ.ગુજરાત હાઇકોર્ટ તથા મહારાષ્ટ્ર હાઇકોર્ટની સુચનાથી આપેલ આદેશ અનુસાર પર્યાવરણને નુકશાન ન થાય તે હેતુ માટે સાવચેતીના પગલાં લેવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, તાપી-વ્યારા,ની અખબારી યાદિમાં જણાવ્યું છે. આ હુકમ તા.12-09-2022 સુધી અમલમાં રહેશે અને હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
0000000000000