ગુજરાત રાજ્યમાં પ્રથમવાર યોજાનાર 36મી નેશનલ ગેમ્સ-2022
તાપી જિલ્લામાં આગામી તા.05 થી 07 સપ્ટેમ્બર સુધી “નેશનલ સ્પોર્ટસ દિવસ”ની ઉજવણી: શાળા કોલેજોમાં ખો-ખો, કબડ્ડી, એથ્લેટિક્સ, રસ્સા ખેંચ, વોલીબોલ, કેરમ, ચેસ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાશે
………………
માહિતી બ્યુરો,વ્યારા,તાપી: 25. ગુજરાત સરકાર તથા રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રથમવાર યોજાનાર 36મી નેશનલ ગેમ્સ-2022નુ આયોજન આગામી તા.27-09-2022 થી તા.10-10-2022 સુધી ગુજરાત રાજ્યમાં થનાર છે.
નેશનલ ગેમ્સ અન્વયે રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા “નેશનલ સ્પોર્ટસ દિવસ”ની દરેક જિલ્લામાં ઉજવણી કરવાનું આયોજન કરેલ છે. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયેલ વિડિયો કોન્ફરન્સમાં નક્કી થયા અનુસાર આગામી તમામ જિલ્લા સહિત તાપી જિલ્લામાં તા.05/09/2022 થી તા.07/09/2022 સુધી “નેશનલ સ્પોર્ટસ દિવસ”ની ઉજવણી કરવામાં આવશે. તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લાના ૦૩ તાલુકામાં આવેલ કોલેજો, શાળાઓમાં નેશનલ સ્પોર્ટસ દિવસની ઉજવણી અન્વ્યે ખો-ખો, કબડ્ડી, એથ્લેટિક્સ, રસ્સા ખેંચ, વોલીબોલ, કેરમ, ચેસ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાનાર છે.
તાપી જિલ્લા સેવાસદન ખાતે વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા, જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે થયેલ આયોજન અનુસાર આગામી તા.05/09/2022ના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શ્રી આર.પી. ચૌહાણ આર્ટસ તથા શ્રીમતિ જે. કે. શાહ અને શ્રી કે.ડી. શાહ કોમર્સ કોલેજ, વ્યારા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે. તા.06/09/2022ના રોજ તાલુકા કક્ષાનો કાર્યક્રમ સરકારી સાયન્સ કોલેજ, વાલોડ, અરૂણાબેન ભક્તા નર્સીંગ કોલેજ, સાવીત્રીબેન પટેલ કોલેજ ઓફ ફીઝીયોથેરાપીસ્ટ તથા પુષ્પાબેન પટેલ પેરામેડીકલ ઇન્સ્ટીટ્યુટ–ભીખીબા કેમ્પસ, બાજીપુરા, તા.વાલોડ તથા સી.એન. કોઠારી હોમીયોપેથીક મેડીકલ કોલેજ, તાડકુવા, વ્યારા ખાતે યોજાશે. તા.07/09/2022 ના રોજ તાલુકા કક્ષાનો કાર્યક્રમ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢ, માં દેવમોગરા સરકારી વિનયન કોલેજ, તા. ઉચ્છલ ખાતે યોજાશે. આ સાથે આગામી તા.08/09/2022 તથા તા.09/09/2022ના રોજ જિલ્લાની તમામ શાળાઓમાં સ્પોર્ટસ દિવસની ઉજવણી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, નેશનલ ગેમ્સમાં કુલ 36 રમતોનો સમાવેશ થયેલ છે. આ રમતો ગુજરાત રાજ્યના ૦૬ શહેરો ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટમાં યોજાનાર છે. આ સ્પર્ધામાં ભારત દેશનાં વિવિધ રાજ્યોમાંથી પસંદગી થયેલ અંદાજીત 7000 જેટલા ખેલાડીઓ ભાગ લેશે.
આ વિડિયો કોન્ફરન્સમાં જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીત, જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી જી.જી.વળવી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0000000000000