FIR સામે બોઘરાની હાઇકોર્ટમાં પિટિશન, વકીલો કાલે રેલી કાઢશે
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : -ટીઆરબી હેડ સાજન ભરવાડે વકીલ મેહુલ બોઘરા પર કરેલા હુમલામાં એટ્રોસિટીની ફરિયાદ સામે વકીલ બોઘરાએ હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી છે. હુમલાના વિરોધમાં વકીલો બુધવારે બપોરે અઢી કલાકે કોર્ટથી કમિશ્નર અને કલેકટર કચેરી સુધી રેલી કાઢશે. બાર એસો.ની મિટિંગમાં ઠરાવ કરી જરૂર પડે ત્યાં સાથ-સહકાર આપવાનું નક્કી કરી કરાયું હતું. પ્રમુખ રમેશ કોરાટે કહ્યું કે ઝડપી ચાર્જશીટની પણ રજૂઆત કરાશે.
લસકાણા ચોકી પાસે ઉઘરાણા કરતા ટીઆરબી સ્ટાફને સોશિયલ મીડિયા લાઈવ કરતા ટીઆરબી સાજન ભરવાડ દ્વારા કરવામાં આવેલા હીચકારા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મેહુલ બોઘરાને રવિવારે સાંજે સ્મીમેર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા લઈ ઘરે પહોંચેલા મેહુલ બોઘરાનું સમર્થકોએ ઢોલ નગારા વગાડી સ્વાગત કર્યું હતું.
સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા મળેલી કાઉન્સિલ મિટિંગ સુરતના વકીલ મેહુલ બોઘરા પર પોલીસની હાજરીમાં જાહેર રસ્તા પર ધોળા દિવસે થયેલા જીવલેણ હુમલાની ઘટનાને વખોડવામાં આવી હતી. આ પ્રકરણ બાદ સમગ્ર રાજ્યના વકીલો પર પડેલા ઘેરા પ્રત્યાઘાતો અંગે ચર્ચા કર્યા બાદ ન્યાય અપાવવા માટે હાઇકોર્ટ બાર એસોસિયેશનની મદદ લેવા માટે પણ ઠરાવ કરવામાં આવ્યો હતો.