એરપોર્ટ પર ટેક્ષી-વે માટે માટી કાઢવા ખોદેલા ખાડામાં માછલીઓ ઉછરી!
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : એરપોર્ટ પર પેરેલલ ટેક્સી વેનું કામ લાંબા સમયથી અટકી રહ્યું છે.આ કામ માટે માટીની જરૂરિયાત પુરી કરવા પરિસરમાં ખોદકામ કરી દેવામાં આવ્યું હતું જેને લીધે ખાડામાં વરસાદનું પાણી ભરાઈ જતા નાનું તળાવ બની ગયું છે અને માછલીઓ પણ તરવા લાગી છે. માછલીઓ ઉછળીને ટેક્ષી વે પર આવી રહી છે અને પરિસરમાં પક્ષીઓ આવી રહ્યા છે. જેને લીધે બર્ડ હિટની ઘટનાઓ થઇ રહી છે. એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા 2 મહિનામાં બર્ડ હિટની પાંચ ઘટના થઇ ચુકી છે.
ગત વર્ષે જાન્યુઆરીમાં બર્ડ હિટ રોકવા કોઈમ્બતુરની સેકોન (સલિમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી-નેચરલ હિસ્ટ્રી)ની ટીમે 1 વર્ષ સુધી પક્ષીઓનો અભ્યાસ કર્યા બાદ જણાવ્યું કે આસપાસ જિંગા તળાવ હોવાથી પક્ષીઓ આવે છે, જે દૂર કરવા જોઈએ. હવે આ પરિસરમાં જ તળાવ બની ગયું હોવાથી પક્ષીઓનો ભય વધી ગયો છે. પેરેલ ટેક્સી -વે ફેબ્રુઆરી 2021 સુધીમાં બનવાનો હતો, જે હજુ બાકી છે. કોન્ટ્રાક્ટરને નોટિસ પણ અપાઈ હતી.