કે.એ.પી.એસ. ટાઉનશિપ, અણુમાળા ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અણુ ઉર્જા વિભાગ-આઇકોનિક સપ્તાહના ભાગરૂપે આયોજિત “દિલ્હી-મુંબઈ સાયક્લોથોન” નું ઉમળકાભેર સ્વાગત
સાયક્લોથોનનો મુખ્ય હેતુ-પરમાણુ ઉર્જા-સ્વચ્છ, હરિયાળી અને સુરક્ષિત’ અંગેનો સંદેશ જન–જન સુધી પહોંચે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સમગ્ર દેશ આઝાદીના 75 વર્ષની ગૌરવવંતી વિકાસયાત્રાની યાદો અને ભારતને વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત કરવાના સંકલ્પ સાથે અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારના અણુ ઉર્જા વિભાગ દ્વારા તારીખ 22 થી 28 ઓગસ્ટ 2022 દરમિયાન “આઇકોનિક સપ્તાહ” ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે, અણુ ઉર્જા વિભાગ, ભારત સરકારના અણુ ઉર્જા આયોગના અધ્યક્ષ ડૉ. કે.એન. વ્યાસના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દિલ્હી-મુંબઈ સાયક્લોથોનનું આયોજન કર્યું છે. આ સાયક્લોથોન ઈન્ડિયા ગેટ, નવી દિલ્હીથી શરૂ થઈ આશરે ૧૭૦૦ કિ.મી. નું અંતર કાપી ગેટ-વે ઓફ ઈન્ડિયા, મુંબઈ ખાતે પૂર્ણ થશે જેમાં જુસ્સેદાર સાયકલીસ્ટોની ટીમના ૦૮ સભ્યો સર્વશ્રી ચંદન ડે, શ્રી સુશીલ તિવારી, શ્રી વિમલ કુમાર, શ્રી જીત પાલ સિંહ, ડૉ. રાજેશ કુમાર, શ્રી વિનય મિશ્રા, શ્રી નીતિન કવાડે, શ્રી સ્વાગતો મુખર્જી અને શ્રી રિતેશ ચૌરસિયા, કો-ઓર્ડિનેટર અને શ્રી અતુલ ચૌહાણ, હેડ, ક્રિએટિવ ડિરેક્ટર કે જેઓ ભાભા અણુ સંશોધન કેન્દ્ર, ટ્રોમ્બે ખાતે ઉચ્ચ સ્તરીય વૈજ્ઞાનિક અધિકારીઓ છે અને તેઓની સાથે કેમેરા ક્રૂના ૦૪ સભ્યો પણ સામેલ છે. આ સાયકલોથોન ટીમ રાજસ્થાનના ભરતપુર, રાજસ્થાન અણુવિધુત મથક, મધ્યપ્રદેશમાં સ્થિત “રાજા રમન્ના સેન્ટર ફોર એડવાંન્સ ટેક્નૉલૉજી” જેવા માર્ગમાં આવતા વિવિધ સ્થળોને આવરી લઈ તારીખ ૨૦/૦૮/૨૦૨૨ ના રોજ ૧૬૦૦ કલાકે કેએપીએસ ટાઉનશીપ, અણુમાળા ખાતે પહોંચી હતી. આ પ્રસંગે કાકરાપાર અણુવિદ્યુત મથકના સાઇટ ડાયરેક્ટરશ્રી સુનિલ કુમાર રોય, સ્ટેશન ડાયરેક્ટરશ્રી એ.બી. દેશમુખ, પ્રોજેકટ ડાયરેક્ટર શ્રી એન.કે. મીઠરવાલ, માનવ સંસાધન સમૂહના વડા શ્રી એમ. એમ. અંસારી, ચીફ એંજીનિયર(એસ્ટેટ મેનેજમેન્ટ અને ઉપયોગિતા સેવાઓ) શ્રી એસ. કે. દેશમુખ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ સાયકલોથોન ટીમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને આગળની સાયકલોથોન સફર સુખદ રહે એવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
કાકરાપાર અણુ વિદ્યુત મથકના વ્યવસ્થાપક મંડળ, સાયક્લોથોન ટીમના સભ્યો અને એટોમિક એનર્જી સેન્ટ્રલ સ્કૂલના ૧૦૦ વિદ્યાર્થીઓ સાથે તારીખ ૨૦/૦૮/૨૦૨૨ ના રોજ કે.એ.પી.એસ. ટાઉનશીપ અણુમાળા ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી વિદ્યાર્થીઓ અને અન્ય રહેવાસીઓમાં તંદુરસ્તી અને અણુ ઊર્જા- સ્વચ્છ, હરિયાળી અને સુરક્ષિત’ હોવાનો સંદેશ ફેલાવવા પ્રોત્સાહિત થાય. વધુમાં, કે.એ.પી.એસ. ગેસ્ટ હાઉસ ખાતે સાયક્લોથોન ટીમના સભ્યો એવા ભાભા અણુ સંશોધન કેન્દ્રના કર્મચારીઓ અને એટોમિક એનર્જી સેન્ટ્રલ સ્કૂલના આશરે ૩૦ જેટલા વિદ્યાર્થીઓ સાથે એક ઇન્ટરેક્ટિવ ચર્ચાસત્ર પણ યોજવામાં આવ્યું હતું જેથી તેઓને અણુ ઊર્જા વિભાગના સોશિયલ મીડિયા સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરી શકાય અને તેમના બિન-અણુ ઊર્જા વિભાગીય મિત્રો અને પરિવારોના સભ્યોને પણ અણુ ઊર્જા વિભાગ સાથે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જોડાવા પ્રોત્સાહિત કરી શકે. સાયક્લોથોન ટીમ તારીખ ૨૧/૦૮/૨૦૨૨ ના રોજ નવા જોમ અને ઉત્સાહ સાથે તારાપુર અણુ વિદ્યુત મથક, મહારાષ્ટ્ર તરફના આગલા ગંતવ્ય માટે તેમની સાયકલોથોન યાત્રાની શરૂઆત કરશે.
સાયક્લોથોન ટીમના સભ્યો દિલ્હી-મુંબઈ સાયક્લોથોન અંગે પ્રતિભાવ આપતા જણાવ્યુ હતું કે કાકરાપાર અણુવિદ્યુત મથકના વહીવટીતંત્રની મહેમાનગતિ અને આદર સત્કારથી દિલ્હી થી અહીં સુધીના પ્રવાસનો થાક દૂર થઈ ગયો છે અને હવે નવી ઉર્જા સાથે આગળનો પ્રવાસ કરવા તૈયાર છીએ. આ સાથે જોડાયેલા સમગ્ર કાર્યક્રમો માટે કાકરાપાર અણુવિધુત મથક દ્વારા કરવાં આવેલ વ્યવસ્થા બદલ પણ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી અને વહીવટીતંત્ર અને તેમની ટીમનો આભાર માન્યો હતો. આ પ્રસંગે કાકરાપાર અણુવિદ્યુત મથકના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં અણુમાળાવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાયક્લોથોન ટીમના સભ્યોનો ઉત્સાહવર્ધન કર્યો હતો.