સુરતમાં સિટી બસને થોભવા ન દઈ 3 કંડકટરે તરૂણીની છેડતી કરી, બસને સ્ટેશન સુધી લઈ જવા કહ્યું
(સુશાંત શીંદે દ્વારા, સુરત) -શહેરમાં BRTS બસમાં હવે તરૂણીઓ સુરક્ષિત ન હોય તેવુ લાગી રહ્યું છે કેમ કે સીટી બસના 3 કંડકટરોએ બસમાં 17 વર્ષની તરૂણીની છેડતી કરી હોવાનો બનાવ બન્યો છે. વળી બસમાં ફરજ બજાવતા કંડકટરે પણ તરૂણીની મદદ કરવાની તસ્દી લીધી ન હતી. ગભરાયેલી તરૂણીએ માતાને કોલ કરતા તેઓ દિલ્હીગેટ પાસે આવી ગયા હતા. માતાએ કંટ્રોલરૂમમાં 100 નંબર જાણ કરતા મહિધરપુરા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને બસમાં બેઠેલા ત્રણેય બદમાશોને પોલીસ સ્ટેશને લઈ આવી હતી.
તરૂણીની માતાએ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે શાહરૂખ ફારૂક શેખ (22) (રહે,ગ્રીનવ્યુ એપાર્ટ, જુના ડેપો, ઉમરવાડા), જયદીપ કીમજી પરમાર (19) (રહે, સમર્પણ વિજયનગર,વેડરોડ) અને સમીર નાસીર રમઝાનશા(18)(રહે,મોહમંદી મસ્જિદની ચાલ, ઉધનાયાર્ડ)ની સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે.
FIRમાં છેડતી કરનારે તરૂણીને સ્પર્શ કરી હોવાનો ઉલ્લેખ છતાં પોલીસે પોક્સો એકટની કલમ કેમ ન લગાવી તે એક તપાસનો વિષય છે. ઘટના બની ત્યારે ત્રણેય કંડકટરો ફરજ પર ન હતા. મહિધરપુરામાં રહેતી 17 વર્ષની કિશોરી તેની બહેનપણી સાથે 20મી તારીખે સાંજે ડુમસ રોડ ગોવર્ધન નાથજીની હવેલી પાસેથી સીટી બસમાં બેસીને ઘરે આવતા હતા. બસમાં ભીડ વધારે હતી અને બેસવાની જગ્યા ન હોવાથી બન્ને પાછળના ભાગે ઊભી રહી હતી.
સગીરાએ અમીષા ચાર રસ્તા પાસે ઉતરવું હોય છતાં બદમાશોએ બૂમો પાડી બસને સ્ટેશને ઊભી રાખવાની વાત કરી હતી. સગીરાએ બસના ચાલકે કહેવા છતાં ઊભી ન રાખી હતી. બસ ઊભી રખાવવા સગીરાની માતા આડી ઊભી રહી બસ રોકવાનો પ્રયાસ કર્યો છતાં બસ ઊભી રાખી ન હતી. છેવટે માતાએ મોપેડ પર લઈ સ્ટેશન પાસેના સર્કલ પર બસ ઊભી રખાવી પોલીસ બોલાવી દીધી હતી.તરૂણીએ કંડકટરને ફરિયાદ કરી તો તેણે કહ્યું કે તારે શુ કરવું છે.