સુરત જિલ્લામાં 102% વરસાદ વરસી ગયો
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : સુરત જિલ્લામાં જુન માસમાં મેઘરાજાએ મહેર વર્ષાવી હતી. જે અવિરત રાખતાં જિલ્લાનો વરસાદનો કોટો ઓગસ્ટની મધ્યેજ પૂર્ણ થઈ જતાં હાલ જિલ્લામાં 102 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જે ગત ત્રણ વર્ષની સરખાણીમાં સૌથી વધુ છે. સારા વરસાદથી જિલ્લામાં પીવાના પાણી તેમજ ખેતી માટે સિંચાઈનું પૂરતુ પાણી સ્ટોરેજ થઈ ચૂક્યું છે. જોકે, હજુ અડધો ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદ વરસે છે. સુરત જિલ્લામાં જૂનમાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. તમામ તાલુકામાં સાર્વત્રીક વરસાદ વરસ્યો હતો.ત્યારબાદ મેઘરાજાએ મહેર ચાલુ રાખી હતી.
જૂન માસમાં છુટોછવાયો વરસાદ વરસતા જુન માસમાં 9.27 ટકા વરસાદ વરસ્યો હતો. જ્યારે જુલાઈ માસમાં તો મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં જિલ્લાનો સરેરાસ વરસાદ 71.40 ટકા થઈ ગયો હતો. ઓગસ્ટ માસમાં પણ વરસાદનું જોર ધીમુ ન પડતાં સુરત જિલ્લામાં વરસાદનો કોટો ઓગસ્ટના મધ્યમાં જ પૂર્ણ થઈ ગયો છે. 18મી ઓગસ્ટ સુધીમાં રોજ જિલ્લામાં 102.45 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
એટલે જિલ્લાનો સરેરાસ વરસાદ 1459 મિમીની સામે 1498 મિમી વરસાદ વરસતા જિલ્લામાં 102.45 ટકા વરસાદ થી ચૂક્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉંમરપાડામાં 135 ટકા થયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ માંડવીમાં 83 ટકા નોંધાયો છે. જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. જોકે, આવનારા અડધો ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે.