સુરતની મીઠી ખાડીમાં કોર્પોરેટરે આપનો ખેસ-ટોપી પહેરીને કોર્પોરેશનના ફૂડ પેકેટ વિતરણ કર્યાં
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : સુરત શહેરની ખાડી બંને કાંઠે વહી રહી છે, ત્યારે મીઠી ખાડીની આસપાસ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાથી લોકોને ભારે હાલાકી થઈ રહી છે, એવી સ્થિતિમાં કોર્પોરેશન દ્વારા ફૂડ પેકેટની વહેંચણી એની વ્યવસ્થા કરી હતી. ફૂડ પેકેટ વિતરણ દરમિયાન રાજકારણ રમાતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આપને કોંગ્રેસના નેતા વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી.
મીઠી ખાડી આસપાસ લોકોને ફૂડ પેકેટ વિતરણ માટે કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને સમર્થકો પણ પહોંચ્યા હતા. કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા ફૂડ પેકેટ વિતરણ માટે આવતાની સાથે જ આમ આદમી પાર્ટીએ પોતાના પક્ષની ટોપી અને ખેસ પહેરીને બોટ દ્વારા વિતરણ કરવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ આપના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાને પાર્ટીનો ખેસ અને ટોપી કાઢી નાખવા કહ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તમારે જે સેવા કરવી હોય તે કરો પરંતુ કોઈ રાજકીય સિમ્બોલ સાથે ન કરતા.