લિંબાયતની બાળકી સિક્કો ગળી ગઈ, સિવિલમાં દૂરબીનથી કઢાયો
(સુશાંત શીંદે દ્વારા, સુરત) :-લિંબાયતમાં રહેતા એક પરિવારની 5 વર્ષીય પુત્રી સિક્કો ગળી ગઈ હતી. સિવિલમાં લવાયેલી આ બાળકીની અન્નનળીમાં સિક્કો ફસાયો હોવાનું નિદાન થયાં બાદ ઇએનટી ડૉક્ટરે ફસાયેલા સિક્કાને દુરબીનની મદદથી કાઢી લીધો હતો. લિંબાયત ગણેશનગરમાં રહેતા પ્રવીણ પાટીલની 5 વર્ષિય પુત્રી જાગૃતિ સિનિયર કેજીમાં અભ્યાસ કરે છે. શુક્રવારે સવારે તે ટીવી પાસે પડેલો 1 રૂપિયાનો સિક્કો રમતી હતી. થોડા સમય બાદ અચાનક તેને ઉલટી થવા લાગતા માતાએ પૂછપરછ કરી તો તેણે સિક્કો ગળી ગઈ હોવાનું જણાવ્યું હતું.
જેથી તેને તાત્કાલિક સિવિલ લાવ્યા હતા. જાગૃતિનો એક્સ-રે પડાવતા સિક્કો ગળામાં ફસાયેલો હોવાનું સામે આવ્યું હતું. જેથી તેને ઈએનટી વિભાગમાં મોકલાઈ હતી. ઇએનટીના તબીબે જણાવ્યું કે સિક્કો અન્નનળીમાં ફસાયો હતો. જેથી તેને દુરબીનની મદદથી કાઢવો પડે એમ હતો. જાગૃતિને એનેસ્થેસિયા ટીમની મદદથી બેભાન કરીને ઇએનટીના ડો.ખુશી ભાવસારે અને ડૉ.મેરુના મદદથી 5 જ મિનિટમાં દુરબીનની મદદથી સિક્કો કાઢી લેતા પરિવારે રાહતનો દમ લીધો હતો. અઠવાડિયામાં આવા 3-4 બનાવ બને છે. જેમાં આ ખૂબ ગંભીર હતો. ડોક્ટરોની સુજબૂજથી તેનો જીવ બચ્યો હતો.