તાપી જિલ્લામા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ અમૃત સરોવરનું નિર્માણ કરાશે
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨૩: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર તાપી જિલ્લામાં ૭૫ અમૃત સરોવરના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેમાના ૨૦ અમૃત સરોવરની કામગીરી પુર્ણ કરી તા.૧૫મી ઓગસ્ટ ૨૦૨૨ના રોજ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવશે. ૨૦ અમૃત સરોવર પર કરવાની થતી કામગીરી જેવી કે વૃક્ષારોપણ, ધ્વજસ્તંભ નિર્માણ, ફાઉન્ડેશન સ્ટોન વિગેરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તમામ અમૃત સરોવરની કામગીરીમાં કલેકટરશ્રી એચ. કે. વઢવાણીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી.ડી.ડી.કાપડીયા, નિયામકશ્રી.અશોક ચૌધરી તથા જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી દ્વારા અંગત રસ લઈ કામગીરીને વેગ અપાવી નિયત સમય મર્યાદામાં પુર્ણ થઈ શકે તેવા સઘન પ્રયત્નો કરાવવામાં આવી રહ્યા છે.
જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે હયાત તળાવને ઊંડા કરવાનું અને નવીનીકરણનું કાર્ય, જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ, તાપીના કાર્યપાલક ઈજનેરશ્રી.ડી.આર.પટેલ, સિંચાઈ વિભાગના અધિકારીઓ તથા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીની દેખરેખ હેઠળ થઈ રહેલ છે.
વધુમાં ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં નિર્માણ થનાર ૭૫ અમૃત સરોવર સિવાય દરેક ગામેગામ તળાવ બનાવવામાં આવે તથા તળાવ થકી જળસ્તરમાં વધારો થાય અને પાણીના ઉપયોગથી ગામેગામ સમૃધ્ધિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ભૂતકાળમાં સોનગઢના મલંગદેવ વિસ્તારના ગામોમાં પીવાના પાણી માટે ફેબ્રુઆરી માસથી ટેન્કરની વ્યવસ્થા કરવી પડતી હતી, પરંતુ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ તળાવો થકી જળસ્તરમાં વધારો થતા પીવાના પાણીનો પ્રશ્ન મહદ્દઅંશે દુર થયેલ છે.
ooooooo