તાપી જિલ્લામાં મતદાર સાક્ષરતા ક્લબસ (ELCs) માટે વર્કશોપ યોજાયો
આગામી ૧લી ઓગસ્ટથી મતદાર યાદીમાં સુધારણા કાર્યક્રમ યોજાશે: બી.એલ.ઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની પ્રક્રિયા શરૂ
……………….
“લોકશાહીમાં મતદાનનો અધિકાર મળ્યો છે. તેનો ઉપયોગ કરી દેશના વિકાસમાં ભાગીદાર બનવું જોઇએ”:જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા
……………….
(માહિતી બ્યુરો વ્યારા-તાપી)તા.21: જિલ્લા કક્ષાના મતદાર સાક્ષરતા ક્લબ્સ માટે વર્કશોપનું આયોજન જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને શ્રીમતિ આર.પી.ચૌહાણઆર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં મતદાનનો અધિકાર મળ્યો છે. તેનો ઉપયોગ કરી દેશના વિકાસમાં ભાગીદાર બનવું જોઇએ. નવા મતદારો માટે આ એક ઉત્સાહનો વિષય છે. ત્યારે યુવાનોથી લઇ વૃધ્ધો અને દિવ્યાંગો સહિત દરેક નાગરિક યોગ્ય રીતે મતદાન કરી શકે તે માટે વિશેષ આયોજન જિલ્લા ચુંટણી પંચ દ્વારા કરવામાં આવશે. મતદાન અંગે નિબંધ સ્પર્ધાઓ, વકૃત્વ સ્પર્ધાઓ, જેવી વિવિધ સ્પર્ધાઓ સહિત સોશિયલ મિડીયાના માધ્યમથી દરેક નાગરિકને જાગૃત કરવાની જરૂર છે. તેમણે સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણામાં મતદારોના વિવિધ કામોને યથાયોગ્ય પુરા કરવા અને આગામી ૧લી ઓગસ્ટથી યોજાનાર મતદાર યાદીમાં સુધારણા કાર્યક્રમ દ્વારા નાગરિકોને લાભ લેવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જિલ્લામાં બી.એલ.ઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમા ઘર આંગણે મતદાર યાદીને લગતા કામો પુરા કરવામાં આવનાર હોય આ પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નોંધાવા ખાસ અનુરોધ કર્યો હતો.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સાગર મોવાલીયાએ આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, મતદાન એ મહાદાન છે. તાપી જિલ્લામાં યુવા મતદારો આ વર્કશોપમાંથી મળેલ માહિતીને તેઓના મિત્રમંડળમાં અન્યને જાગૃત કરે તે જરૂરી છે.
વ્યારા મામલતદારશ્રી દિપક સોનાવાલાએ સ્વાગત પ્રવચન દ્વારા વર્કશોપ સહિત મતદાનના મહત્વને સમજાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગાંધીનગરના આદેશ અનુસાર ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓગષ્ટ-સપ્ટે.૨૨ દરમિયાન મતદારયાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ પણ યોજાનાર છે લાયકાત ધરાવતા મહત્તમ મતદારો મતદારયાદીમાં તેમના નામની નોંધણી કરાવે તે માટે તમામ મતદાર સાક્ષરતા ક્લબસના નોડલ અધિકારીઓ, કન્વીનર્સ તથા ક્લબ્સના સભ્યો સક્રિય રહે તે અતિ આવશ્યક છે. આ માટે દરેક જિલ્લા કક્ષાએ મતદાર સાક્ષરતા ક્લબ્સ વર્કશોપનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ વર્કશોપમાં ચૂંટણી મામલતદારશ્રી રંજન પટેલ, નાયબ મામલતદારશ્રી જાગૃતી ગામીત, મતદાર સાક્ષરતા ક્લબસના નોડલ અધિકારીશ્રીઓ, કન્વીનર્સ તથા ક્લબ્સના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦