તાપી જિલ્લામાં વરસાદ ધીમો પડતા રસ્તા રીપેરીંગના કામ પુર જોશમાં શરૂ: ૨૪ રસ્તાઓ એક દિવસમાં મરામત કરી શરૂ કરાવતા તાપી જિલ્લા તંત્ર
તાપી જિલ્લામાં બંધ રસ્તાની ફરીયાદ માટે હેલ્પલાઇન નંબર શરૂ
…………………..
-આલેખન-વૈશાલી પરમાર
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) ૧૫: તાપી જિલ્લામાં વરસાદ ઘીમો પડતાં રસ્તા રીપેરીંગનું કામ પુર જોશમા શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા એ વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું કે, તાપી જિલ્લામાં વરસાદના કારણે થયેલા રોડ રસ્તાના નુકશાનને વરસાદ ઓછો થતા ત્વરીત મરામત હાથ ધરવામાં આવી રહી છે. કોઝવે ઓવર ટેપ થવાથી જિલ્લામાં આજદિન સુધી ૮૨ જેટલા રસ્તાઓ યાતાયાત માટે બંધ થયા હતા. આજે ૫૮ રસ્તાઓ બંધ છે એટલે કે ૨૪ રસ્તાઓ એક દિવસમાં મરામત કરી રસ્તાઓ શરૂ કરાવી દિધા છે. એવા તાલુકાઓ જેમાં ડોલવણ, વાલોડ, સોનગઢ, અને ઉચ્છલ તાલુકા માટે ખાસ એન્જીનીયરોની ટીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં ડોલવણમાં 3, સોનગઢના ૩, અને વાલોડ અને ઉચ્છલમાં ૧-૧ ટીમ કાર્યરત છે. જે જગ્યાએ રસ્તાઓ ઉપરથી હાલ પણ પાણી પસાર થાય છે. ત્યાં વરસાદના પાણી ઓસરતા વહેલી તકે કામગીરી પુરી કરવામાં આવશે. એકંદરે તાપી જિલ્લામાં વધુમાં વધુ ૮ થી ૧૦ દિવસમાં તમામ રસ્તાઓ અને કોઝવેના કામો પુર્ણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લામાં રસ્તાઓના મરામત માટે તાલુકા વાર એન્જીનીયરોની ટીમ કાર્યરત કરી નુક્શાન પામેલ અને બંધ રસ્તાઓ ઝડપથી શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું છે. જિલ્લાના રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી જિલ્લા પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવી રહી છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત દ્વારા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) કંટ્રોલ રૂમ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર ૭૫૭૩૮૩૬૧૦૮, ૯૪૮૪૮૮૦૭૭૨ ઉપર રસ્તા અને કોઝવે ઓવરટોપ થતા તંત્રને જાણ કરવા અને તેને લીધે પડતી મુશ્કેલીઓ નિવારણ માટે સંપર્ક કરવા અપીલ કરી છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦