આજે ૧૯ જુન-“વર્લ્ડ સિકલસેલ ડે” : તાપી જિલ્લામાં સિકલસેલ અંતર્ગત થયેલ ૯૦% વસ્તીને ૭,૮૨,૭૬૫ નાગરીકોને સ્ક્રીનીંગ ટેસ્ટ કરવામાં આવ્યા

Contact News Publisher

સિકલસેલ ડીસીઝ દર્દીને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા દર મહિને રૂ.૫૦૦/-ની સહાય ચુકવવામાં આવે છે.
……………….
આદિવાસી સમાજમાં સિકલસેલ એનીમિયાને અટકાવવા લગ્નગ્રંથિથી જોડાતા પહેલા જન્માક્ષરની જેમ જ સિક્લસેલના જન્માક્ષરને પણ પૂરતું મહત્વ આપવું જરૂરી
……………….
-સંકલન-વૈશાલી પરમાર

(માહિતી બ્યુરો વ્યારા-તાપી )તા.૧૮: સિકલસેલ એનિમિયાં એ વારસાગત રોગ છે. જે રંગસુત્રોની ખામીને લીધે થાય છે. સિકલસેલ રોગમાં ખામીયુક્ત રંગસુત્રો માતા-પિતામાંથી બાળકને વારસામાં મળે છે આ ખામીયુક્ત રંગસુત્રોને કારણે બાળકોમાં સીકલસેલ ટ્રેઈટ અથવા સીકલસેલ ડીસીઝની સંભાવના રહે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા (United Nations General Assembly) ૨૦૦૮માં ‘વિશ્વ સિકલ સેલ દિવસ’ની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી. સામાન્ય લોકોમાં આ વિશે જાગૃતિ ફેલાય એ માટે ૨૦૦૯માં ૧૯ જૂનના રોજ પહેલી વાર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ રોગ મોટે ભાગે આદિજાતિ વિસ્તારમાં વધુ જોવા મળે છે. ગુજરાતમાં ખાસ કરીને દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરુચ, સુરત, નવસારી, વાપી, વલસાડ, ડાંગ જિલ્લાનાં લોકોમાં સિકલ સેલ એનીમિયા રોગ સૌથી વધારે જોવા મળે છે. સિકલસેલ રોગ નાબુદી માટે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગ અંતર્ગત સિકલસેલ એનિમિયાં કંટ્રોલ પ્રોગ્રામ અમલમાં છે.
આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.સ્નેહલ પટેલ જણાવે છે કે, તાપી જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. સિકલસેલ એનિમિયા રોગ આદિવાસી વિસ્તારમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. તાપી જિલ્લામાં કુલ વસ્તી ૮,૬૫,૨૩૦ સામે ૭,૮૨,૭૬૫ (૯૦%) જેટલી સ્ક્રીનીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે તે પૈકી સિકલસેલ રોગનાં ૩૨૮૨ દર્દીઓ અને ૬૫૫૪૧ સિકલસેલના વાહક નોંધાયેલ છે. દરેક સગર્ભા માતાઓનું સ્ક્રીનીંગ કરી સિકલસેલનો ટેસ્ટ કરવામાં આવે છે. જેઓને આ રોગ ડિટેક્ટ થાય છે તેઓને ડિલિવરી દરમિયાન અને ત્યાર બાદ પણ નિ:શુલ્ક બ્લડ પુરૂ પાડવામાં આવે છે. તાપી જિલ્લામાં દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે DTT Screening -Dithionite Tube Turbielity ની સુવિધા ઉપલબ્ધ છે. જનરલ હોસ્પિટલ, વ્યારા ખાતે HPC Test -High Performance Liquid Chromatographyની સુવિધા ઉપલબ્ધ છે. દરેક આરોગ્ય કેન્દ્રો ખાતે સિકલસેલ દર્દીઓ માટે ન્યુમોકોકલ વેક્સિન તથા હાઈડ્રોસીયુરીયા આપવામાં આવે છે. ન્યુમોકોકલ વેક્સિન ૩૨૮૨ દર્દીઓ માંથી ૨૦૧૭ દર્દીઓને આપવામાં આવી છે તેમજ ૮૬ દર્દીઓ હાઈડ્રોક્સીયુરીયા સારવાર હેઠળ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, સિકલસેલ ડીસીઝ દર્દીને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા દર મહિને રૂ.૫૦૦/-ની સહાય ચુકવવામાં આવે છે. તાપી જિલ્લામાં આજદિન સુધી ૩૨૮૨ દર્દીઓમાંથી ૩૦૭૭ દર્દીઓને સહાય આપવામાં આવી છે.
અહિં ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે, સિકલસેલ ટ્રેઈટ એટલે કે સિકલ ગુણ ધરાવવા એ રોગ નથી પરંતુ સિકલસેલ વાહક છે. જયારે સિકલસેલ ડીસીઝ એ રોગ છે. આ બન્ને પરિસ્થિતિ માતા-પિતા તરફથી વારસામાં મળે છે. છોકરા કે છોકરી બન્નેમાંથી એક સામાન્ય અને બીજું સામાન્ય કે સિકલસેલ ટ્રેઈટ કે સિકલસેલ ડીસીઝ (રોગ)વાળું હોય તો લગ્ન કરાવી શકાય છે એટલે કે જે વ્યકિતને સિકલસેલ નથી તેવી વ્યકિત સિકલસેલ ધરાવનાર વ્યકિત સાથે લગ્ન કરી શકે છે. કારણ કે તેમના થનાર બાળકને સિકલસેલ ડીસીઝ થઈ શકતો નથી, ફક્ત ટ્રેઈટની જ શકયતા રહે છે. બન્ને વ્યકિતમાં સિકલસેલ ટ્રેઈટ કે ડીસીઝ હોય તો લગ્ન કરાવવા નહીં. ગર્ભધારણ કરેલ મહિલાએ સિકલસેલની તપાસ અવશ્ય કરાવવી જોઇએ.

વિગત વાર જોઇતો સિકલસેલ એનીમિયા શું છે?
દરેક તંદુરસ્ત વ્યકિતના લોહીમાં લાલકણ (રક્તકણ) ગોળ, નરમ અને સ્થિતિસ્થાપક હોય છે. આ લોહીના લાલકણો પોતાના કદ કરતાં પણ નાની બારીક નસોમાંથી જયારે પસાર થાય છે ત્યારે તે લંબગોળ આકારના થઈ જાય છે અને બારીક નસમાં થી બહાર નીકળતાં તે પાછા તેનામાં રહેલા સ્થિતિસ્થાપક ગુણને લીધે ગોળાકાર થઈ જાય છે. લાલકણનો લાલ રંગ તેમાં રહેલા હિમોગ્લોબીન તત્વને લીધે હોય છે. આવા તંદુરસ્ત લાલકણમાં હિમોગ્લોબીન નામનું તત્વ સામાન્ય પ્રકારનું હોય છે. જયારે સિકલસેલ એનીમિયા થયેલ વ્યકિતમાં હિમોગ્લોબીન અસામાન્ય પ્રકારનું હોય છે. જયારે લાલકણમાં આ પ્રકારનો ફેરફાર થાય છે ત્યારે લાલકણ સામાન્ય રીતે ગોળ રકાબી આકારનાં તથા સ્થિતિસ્થાપક હોય છે. તે ગુણો બદલાઈને અર્ધગોળ દાતરડાં આકારના તથા બરડ એટલે કે સખત થઈ જાય છે જેને ‘સિકલસેલ’ કહેવામાં આવે છે. લેટીન ભાષામાં સિકલનો અર્થ દાતરડું થાય છે. જેથી આ પ્રકારના લાલકણો લોહીની બારીક નસોમાં ફસાઈ જાય છે. ત્યાં દુખાવો શરૂ થાય છે અને લાલકણ ઉપર વધુ દબાણ આવવાથી તે તૂટી જાય છે. પરિણામે લોહીનું પાણી થઈ જાય છે. જેને ‘સિકલસેલ એનીમિયા’ કહે છે. આ રક્તકણની ખામી વ્યકિતમાં રહેલા રંગસૃત્રની ખામીને લીધે થાય છે.
સામાન્ય રીતે શરીરમાં રક્તકણોનું આયુષ્ય ૧૨૦ દિવસનું હોય છે અને તે ફેફસાંમાંથી ઓકિસજન શરીરના જુદા જુદા ભાગોને પહોંચાડે છે તેમજ શરીરમાંથી કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે છે. ૧૨૦ દિવસ બાદ તે નાશ પામે છે અને ફરીથી નવા રક્તકણો ઉત્પન્ન થાય છે. પરંતુ સિકલસેલ રોગ ધરાવતી વ્યકિતના રક્તકણો (સિકલસેલ) ૪૦ દિવસ બાદ તરત નાશ પામે છે. તેનું આયુષ્ય ખૂબ ઓછુ છે અને શરીરમાં ફરીથી જલ્દી તેટલા રક્તકણો બની શકતા નથી. આમ, સિકલસેલ એનીમિયામાં રક્તકણ અલ્પજીવી હોવાથી દર્દીમાં પાંડુરોગ જોવા મળે છે.

સિકલસેલ એનીમિયા રોગનાં લક્ષણો અંગે જોઇએ તો,

શરીર ફિક્કું પડો જવું, કળતર થવી, શરીરમાં દુઃખાવો,સાંધામાં સોજો,વારંવાર તાવ, કમળો થવો, બરોળ મોટી થવી, પેટમાં દુઃખાવો,યકૃત એટલે કે લીવર પર સોજો, મૃત્રપિંડમાં બગાડ, પિત્તાશયમાં પથરી થવી જેવા લક્ષણો જોવા મળે છે. કોઈપણ વ્યકિતને આ પ્રકારની શારીરિક તકલીફ થતી હોય તો તેણે લોહીની સિકલસેલ એનીમિયાની તપાસ કરાવવી ખુબ જરૂરી છે.
આપણા આદિવાસી સમાજમાં સિકલસેલ એનીમિયાને અટકાવવા આ રોગ વિશે જાગૃતિ લાવવી ખુબ જરૂરી છે જેથી આ રોગનું પ્રમાણ ઓછું કરી શકાય. લગ્નગ્રંથિથી જોડાતા પહેલા જન્માક્ષરની જેમ જ સિક્લસેલના જન્માક્ષરને પણ પૂરતું મહત્વ આપો.
૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other