“વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું એ શિક્ષકનું દાયિત્વ” -જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. કાપડિયા
સોનગઢ તાલુકાની ૧૧ પ્રાથમિક શાળાઓના ૧૦૫૦ બાળકોને એન.આર.આઇ. બાલકૃષ્ણ પટેલ દ્વારા રૂપિયા ૩૩ લાખનું દાન:
………….
ચીમકુવા પ્રા.શાળામાં અંતરિયાળ વિસ્તારના બાળકોને શૌક્ષણિક કીટ અને યુનિફોર્મ વિતરણ સમારોહ
જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. કાપડિયાની અધ્યક્ષતામાં યોજાયો
…………….
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) ૨૬: આજે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની ૧૧ પ્રાથમિક શાળાના કુલ-૧૦૫૦ બાળકોને રૂપિયા ૨૭ લાખની શૌક્ષણિક કીટ અને રૂપિયા ૬ લાખના શેડ મળીને રૂ.૩૩ લાખનું દાન મુળ આણંદના અને હાલ શિકાગોમાં રહેતા બાલકૃષ્ણ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે ચીમકુવા પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયેલ સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ દાતા બાલકૃષ્ણભાઇનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અંતરિયાળ વિસ્તારના બાળકોને શૌક્ષણિક કીટ પુરી પાડી પૂણ્યનું કામ કરનાર દાતા અંભિનંદનને પાત્ર છે. સરકારની વતન પ્રેમ યોજના પણ જનભાગીદારી સાથે જોડનારી યોજના છે તેમ જણાવી દરેક શિક્ષક માત્ર નોકરી કરવા પુરતું જ નહીં પણ સાચા અર્થમાં પોતાનું શિક્ષક તરીકેનું દાયિત્વ નિભાવે અને દર વર્ષે શાળાનું બાળક નવોદય વિદ્યાલય, નિવાસી શાળા, એક્લવ્ય મોડેલ શાળામાં પ્રવેશ મેળવએ તે માટે તત્પર બને તેમજ આત્મ સન્માન સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી દરેક વિદ્યાર્થીઓ પ્રતિભાશાળી બને તે પ્રકારનું શિક્ષણ આપવા અપીલ કરી હતી.
વધુમાં માળખાગત સુવિધા સાથે ગુણોત્સવ, કન્યા કેળવણી જેવા કાર્યક્રમો દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે સરકાર કટીબધ્ધ છે. તાપી જિલ્લાના બાળકો નેશનલ લેવલ સુધી પહોચે, યુવાનોને વાંચનની દિશામાં પ્રેરિત કરવા મોટા ગામોમાં લાઇબ્રેરીની સ્થાપના થાય તેવા આયોજનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયા છે. એમ જણાવી વધુમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લામાં ૭૫ સ્થળોએ રમત-ગમતના મેદાનો મનરેગા અંતર્ગત તૈયાર કરાશે, સાથે દરેક ગામોમાં આગામી ૩૧ ઓક્ટોબરના રોજ સામુહિક સફાઇ ઝુંબેશ હાથ ધરાશે. રન ફોર યુનિટી માટે ૭૫ યુવાનો તૈયાર કરાશે તથા દરેક બાળકોને સખી મંડળ દ્વારા તૈયાર કરેલ ખાદીના માસ્ક નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે એમ જણાવી ૧૫માં નાણાંપંચમાંથી ૭૦ ટકા ગ્રાંટ ગ્રામ પંચાયતને મળે છે જેમાં બાકી રહેલા કામો પુરા કરાવવા સરપંચોને અનુરોધ કર્યો હતો.
દાતાશ્રી બાલકૃષ્ણ પટેલે જણાવ્યુ હતું કે, ભગવાનની પ્રેરણાથી અમને આ સત્કર્મ કરવાની તક મળી છે. સોનગઢ મારી કર્મભૂમિ રહી છે. આ વિસ્તારના લોકોની લાગણી મારા અંતર સાથે જોડાયેલી છે જેથી તેઓની સેવા કરવાની તક મળતા હું ધન્યતા અનુભવું છું. પોતે મેળવેલ સંપતિ માંથી થોડો ભાગ સેવા કાર્યમાં ઉપયોગ કરવો જ જોઇએ.
સોનગઢ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.બી.પરમારે પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આપણે સારૂ વિચારીએ તો ઇશ્વર માર્ગ કરી જ આપે છે. આદિવાસી વિસ્તારમાં સમાજ કલ્યાણનું કામ થાય, તેમજ બાળકોના હિતમાં પરિવારની ભાવના જાગૃત થાય તેવા પ્રયાસો આપણે સૌએ કરવા જોઇએ.
આ પ્રસંગે શાળાના આચાર્ય પ્રદિપભાઇ ચૌધરીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, બાલ દેવોની સતત ચિંતા કરી શાળાનો સર્વાંગી વિકાસ થાય એવી અમારી શાળાની સંસ્કૃતિ છે. કાર્યક્રમમાં ચીમકુવા પ્રા.શાળાના કલાવૃદે સ્વાગત અને પ્રાર્થના ગીત રજુ કર્યું હતું. આ ઉપરાંત આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે શૌર્યગીત કસુંબીનો રંગ તથા પ્રસંગને અનુરૂપ ખાસ સ્વ-રચીત આવકાર ગીત રજુ કર્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં કુલ ૧૧ પ્રાથમિક શાળાઓના કુલ-૧૦૫૦ જેટલા વિદ્યાર્થીઓને દફતર, યુનિફોર્મ, શુઝ, મોજા, ૧૦ નોટબુક, કંપાસ, ટીફીન, વોટર બેગની કીટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે સરપંચ પ્રેમીલાબેન ગામીત, રૂમસીભાઇ ગામીત, ફુલજીભાઇ ગામીત, સીઆરસી સ્મીતાબેન ગામીત, બીઆરસી મુકેશભાઇ ગામીત, ક્ન્યાશાળા સોનગઢના સંગીતાબેન ચૌધરી,સંઘના પ્રમુખ દમયંતીબેન ચૌધરી, ગામીત સમાજના પ્રમુખ ઠાકોરભાઈ ગામીત, એસ.એમ.સી ટીમ, તલાટી તેજલ પટેલ, લલ્લુભાઇ સહિત શાળા પરિવાર, વિદ્યાર્થીઓ, વન વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦