ગાંધી વિદ્યાપીઠ વેડછી ખાતે “ખાદી ફોર નેશન- ખાદી ફોર ફેશન”કાર્યક્રમ યોજાયો
(માહિતી બ્યુરો દ્વારા; વ્યારા-તાપી)-૨૫:- તાપી જિલ્લાના વેડછી સ્થિત બી.આર.એસ.કોલેજ અને બી.એડ કોલેજ દ્વારા યુવાનોને ખાદીનું મહત્વ સમજાવવા “ખાદી ફોર નેશન- ખાદી ફોર ફેશન”કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સંસ્થાના મંત્રી માધુભાઈએ પોતાના વક્તવ્યમા ખાદીનું મહત્વ સમજાવતા તેની સાથે સંકળાયેલા સ્મરણો અંગે ચર્ચા કરતા કહ્યું હતું કે, તેઓ ખાદીની ઝોળીમાં મોટા થયા, પોતાના લગ્નમાં ખાદી પહેરીને વરરાજા બન્યા અને તેઓના પત્નિને પણ ખાદીની જ સાડી પહેરાવી હતી. તેઓએ આજીવન ખાદીના કપડાં જ પહેર્યા છે. આચાર્ય શ્રી અર્જુનભાઈ દ્વારા આજના સમયે રેટીયાનું મહત્વ સમજાવ્યું જયારે આચાર્ય શ્રી ડૉ.અંજનાબેને ખાદીના ઈતિહાસ અંગે જાણકારી આપી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ એ પેટી રેટીયા દ્વારા સુત્તર કાતણ કરવામાં આવ્યું હતું. કોલેજમાં ખાદીનો સ્ટોલ પણ લગાવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ/અધ્યાપકોએ મનપસંદ ખાદીનું કાપડની ખરીદી કરી હતી. સૌએ “રેંટિયો તારણહાર” ગીત ગાઇ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં પ્રોફેસર આનંદ દ્વારા સ્વાગત પ્રવચનમાં ખાદીના મહત્વ અંગે સૌને અવગત કરવામાં આવ્યા હતા. અંતમાં આભાર વિધી વિકેશભાઈએ આટોપી હતી. કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
૦૦૦૦૦૦૦૦