નિઝરના અંતુર્લી ગામે ગુડ ગવર્નન્સ અંતર્ગત રાત્રી સભા યોજાઈ

છેવાડાના માનવીઓ સુધી વહીવટીતંત્ર પહોંચે ત્યારે સાચા અર્થમાં લોકોને ગુડ ગવર્નન્સનો અહેસાસ થાય : કલેકટર એચ.કે. વઢવાણિયા
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૨૧: તાપી જિલ્લાના નિઝર તાલુકાના અંતુર્લી ગામે કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા,તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબેન વસાવાની ઉપસ્થિતિમાં ગુડ ગવર્નન્સ અંતર્ગત રાત્રી સભા યોજાઈ હતી.
ગ્રામજનોના પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ રાત્રી સભામાં શરદપૂર્ણિમાની શુભકામના પાઠવતા કલેકટર એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે છેવાડાના માનવીઓ વચ્ચે જ્યારે વહીવટીતંત્ર પહોંચે છે ત્યારે જ લોકોને ગુડ ગવર્નન્સનો સાચા અર્થમાં અહેસાસ થાય છે. રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયાસ કરે છે. છતા ઘણી વખત લોકોની જરૂરિયાતો પુરી થતી નથી અથવા તો તંત્રના ધ્યાને આવતુ નથી. આવા સંજોગોમાં લોકોની રૂબરૂ મુલાકાત થાય અને સંકલન જળવાય અને જરૂરીયાત મંદ વ્યક્તિઓ સુધી પહોંચી શકાય છે. ત્યારે લોકોના પ્રશ્નોનો હકારામત્મક નિકાલ થાય છે.
જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ અંતુર્લી ગામે મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલા કામો અંગે જણાવ્યું હતું કે અંદાજીત ૭૦ લાખના ખર્ચે કુલ ૩૪ જેટલા કામો મંજૂર કરવામાં આવ્યા છે. કુલ રૂા.૪૦.૩૧ લાખના ખર્ચે ૭ રસ્તાના કામો મંજૂર કરાયા છે. હરદુલી ગામે રૂા.૩૦ લાખના ખર્ચે કામો મંજૂર થયેલા છે. જે પૈકી રૂા.૨૬ લાખના ખર્ચે ૯ રસ્તાઓનું નિર્માણ થનાર છે. જ્યારે વાંકા ગામમાં રૂા.૯૫.૭૬ લાખના ખર્ચે મનરેગાના કામોની મંજૂરી આપી દીધી છે. જેમાં ૪૯.૭૩ લાખના ખર્ચે રસ્તાના કામોને મંજૂરી અપાઈ છે.
અંતુર્લી,વાંકા અને હરદુલીના ગ્રામજનોએ પીવાના પાણી,વિજળીની મુશ્કેલીઓ,ખેડૂતોના પ્રશ્નો, રસ્તાઓ રેશનકાર્ડ સાઈલન્ટ થવા,હોસ્પિટલોમાં ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રીક્સની જરૂરિયાત અંગે પ્રશ્નોની રજૂઆત કરી હતી. જે અંગે સબંધિત અધિકારીઓએ પ્રશ્નો સોલ્વ કરવાની ખાતરી આપી હતી. અને નીતિ વિષયક પ્રશ્નો સરકારના નિયમાનુસાર ઉકેલવા જણાવ્યું હતું.
નિઝર પ્રાંત મેહુલ દેસાઈએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે અંતુર્લી ગામે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. જનભાગીદારીના કારણે વેક્સિનેશન,રક્તદાન,વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો સફળ બન્યા છે.
રાત્રી સભામાં નિવાસી અધિક કલેકટર અને પુરવઠા અધિકારી નૈતિકા પટેલ,નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડિયા,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ, પંચાયત માર્ગ અને મકાન કાર્યપાલક ઈજનેર એસ.એમ.બારોટ, આદિજાતિ વિકાસ અધિકારી એચ.એલ.ગામીત, વતનપ્રેમી યોજનાના દાતા દિલીપભાઈ પાટીલ,આરોગ્ય સમિતિ અધ્યક્ષા સોનલબેન પાડવી,સરપંચશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦