હવે મનોરંજન લોકોને રડાવશે: કેબલ-ટીવીના ભાડાંમાં 35 થી 50 ટકા વધારો ઝીંકાશે
પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ સહિતની આવશ્યક વસ્તુઓ મોંઘી થયા બાદ 1 ડિસેમ્બરથી ચેનલો પણ ભાવ વધારશે
આવશ્યક ચીજોથી માંડીને તમામ પ્રોડકટોમાં ભાવ વધારા-મોંઘવારીથી પીડાતા લોકોને વધુ એક નાણાંકીય બોજ ઝેલવા તૈયાર રહેવુ પડે તેમ છે. ટીવી મનોરંજન 50 ટકા સુધી મોંઘુ થઈ શકે છે.સ્ટાર એન્ડ ડીઝની ઈન્ડિયા, ઝી એન્ટરટેઈનમેન્ટ, સોની પિકચર્સ નેટવર્ક તથા વાયાકોમ 18 દ્વારા નવા સુધારેલા ટેરીફ ઓર્ડરમાં 1લી ડીસેમ્બરથી ભાડા વધારો જાહેર કર્યો છે. ગ્રાહકોનાં કેબલ-ભાડા બીલ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે લાગુ પાડેલા નવા ભાડા નિયંત્રણોનું આ પરિણામ છે. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ ગ્રાહકોનો જેટલી ચેનલ જોવી હોય તેટલા જ ભાવ ચુકવવાના ઉદેશ સાથે નવો ભાડા કાયદો ઘડયો હતો.પરંતુ હવે બ્રોડકાસ્ટર કંપનીઓ ભાડાવધારો ઝીકવા લાગી છે.
એક ચેનલના રૂા.15 થી 25 નકકી કર્યા છે. ભાડા કાયદા અનુસાર બ્રોડકાસ્ટર કંપની વિવિધ ચેનલોનું પેકેજ નકકી કરે તો કોઈપણ એક ચેનલના ભાડા રૂા.12 થી વધુ લઈ શકાતા નથી. એટલે કંપનીઓએ લોકપ્રિય ચેનલોને પેકેજમાંથી અલગ તારવીને તોતીંગ ભાડા નકકી કર્યા છે. આ સંજોગોમાં સ્ટાર પ્લસ, કલર્સ, ઝી ટીવી, સોની તથા અમુક પ્રાદેશિક મનોરંજક ચેનલો જોવી હોય તો ગ્રાહકોએ અલગથી ભાડા ભરવા તૈયાર રહેવું પડશે અને માસીક કેબલ બીલ 30 થી 50 ટકા વધી જશે.
બ્રોડકાસ્ટર કંપનીનાં એક સિનિયર અધિકારીએ કહ્યું કે કાનુની કેસનો ઉકેલ આવતો નથી. (20 મી નવેમ્બરે સુપ્રિમમાં મુદત છે) અને નિયમનકાર ટ્રાઈ કડક કાર્યવાહી કરી છે ત્યારે સ્ટ્રેટેજી બદલાવવા સિવાય છૂટકો નથી. 1લી ડીસેમ્બરથી સ્ટાર-ડિઝનીનાં પેકેજનાં રૂા.49 ને બદલે રૂા.69 સુધીના ચુકવવા પડશે સોની પીકચર્સ માટે રૂા.39 ને બદલે રૂા.71 અને વાયાકોમ માટે રૂા.25 ને બદલે રૂા.39 ચુકવવા પડશે.
વિરોધ ઉઠે કે તીવ્ર પ્રત્યાઘાતો પડે તો નેટ 15 થી 20 ટકાનો ભાડા વધારો કરાશે. નિષ્ણાંતોએ એમ કહ્યું કે સુચિત ભાડા વધારાથી નાના અને મધ્યમ વર્ગના ગ્રાહકો વિડીયો સ્ટ્રીમીંગ સેવા તરફ વળી શકે છે. ઓટીટી તથા દુરદર્શનની ફ્રીડીશની બોલબાલા વધી શકે છે.