તાપી જિલ્લામાં યોજનાર રાત્રીસભાઓના કાર્યક્રમો
આગામી ૨૦મી ઓક્ટોબરના રોજ નિઝરના અંતુલી પ્રાથમિક શાળા ખાતે રાત્રીસભાનું આયોજન
………….
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૧૮: ગુડ ગવર્નન્સ અંતર્ગત સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ–હિત માટે અને લોકોને પાયાની તમામ સુવિધાઓ મળી રહે તેમજ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ ગામના છેવાડાના માનવી સુધી પહોંચાડવાની સાથે ગ્રામજનોના પ્રશ્નોના જે-તે સ્થળે હકારાત્મક નિકાલ કરવાના શુભ આશયથી તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાત્રી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અન્વયે આગામી ૨૦-૧૦-૨૦૨૧ બુધવારના રોજ સાંજે ૬ કલાકે નિઝર તાલુકાના અંતુલી પ્રાથમિક શાળા ખાતે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત જિલ્લામાં આગામી તા.૨૭-૧૦-૨૦૨૧ના રોજ વ્યારા તાલુકામાં પ્રાથમિક શાળા ચીખલી ખાતે, તા.૧૦-૧૧-૨૦૨૧ કુકરમુંડા-પ્રાથમિક શાળા બહુરૂપા, તા.૧૭-૧૧-૨૦૨૧ સોનગઢ-પ્રાથમિક શાળા ટોકરવા, તા.૨૪-૧૧-૨૦૨૧ ડોલવણ-ગ્રામ પંચાયત ઢાંગધર, તા.૦૧-૧૨-૨૦૨૧ ઉચ્છલ-ગ્રામ પંચાયત ટોકરવા, તા.૦૮-૧૨-૨૦૨૧ વાલોડ-રાધા સ્વામી મંદિર ગોડધા, તા.૧૫-૧૨-૨૦૨૧ નિઝર-પ્રાથમિક શાળા વેલ્દા, તા.૨૨-૧૨-૨૦૨૧ વ્યારા-જ્ઞાનદિપ હાઇસ્કુલ ઉંચામાળા, તથા ૨૯-૧૨-૨૦૨૧ના રોજ કુકરમુંડા તાલુકાના માધ્યમિક શાળા બાલંબા ખાતે રાત્રી ગ્રામસભાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
આ રાત્રીસભામાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ વન સંરક્ષક સહિત આરોગ્ય, માર્ગ અને મકાન (પંચાયત), મહેસુલ, પોલીસ વિભાગ, ટ્રાયબલ સબપ્લાન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ડી.જી.વી.સી.એલ, અન્ન અને નાગરીક પુરવઠા, પાણી પુરવઠા, અને એસ.ટી.નિગમ જેવા વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી લોક પ્રશ્નોનો સ્થળ પર ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જાહેર જનતાએ તેઓના પાયાના પ્રશ્નો સાથે તેમના વિસ્તારની રાત્રી ગ્રામસભામાં હાજર રહેવા જિલ્લા કલેકટરશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦