તાપી જિલ્લામાં નવોદિત કવિઓ માટે છંદ પ્રશિક્ષણ શિબિર ‘સાહિત્ય સેતુ’ યોજાયો
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી).તા.૧૧: વોટ્સએપ કે ફેસબુક પર છંદના બંધારણ વગરની જથ્થાબંધ ગઝલો વાંચવા મળે છે, એને પણ અણસમજુઓની લાઈક મળતાં કવિઓનો રાફડો ફાટયો છે. ત્યારે ખરા કવિઓ અને એમની ઉત્કૃષ્ટ ગઝલો ગોતવી પડે છે. આ સમયે ગુજરાતી ગઝલના છંદ અને બંધારણ શીખવા માટેની શિબિર ‘સાહિત્ય સેતુ’ કાર્યક્રમ વ્યારાના દક્ષિણાપથ વિદ્યાલય ખાતે યોજાયો હતો. જેમા તજજ્ઞ તરીકે વડોદરા ‘બુધસભા’ના સંચાલક અને સમર્થ ગઝલકાર દિનેશ ડોંગરેનું માર્ગદર્શન મળ્યું હતું. તેમણે મિસરા, રદ્દીફ, કાફિયા, લઘુ-ગુરુ,ની ઉદાહરણ સહિત સમજ આપીને શેર અને શેરીયત વ્યાખ્યાયિત કરી આપ્યા હતા. વધુ વાંચન અને મહાવરા વિના ગઝલકાર થવાશે નહીં એવી શીખ પણ તેમણે આપી હતી.
કાર્યક્રમમાં ડો.દક્ષાબેન વ્યાસે સાહિત્યમાં કલ્પના, કાવ્યતત્વ અને લેખન કૌશલ્યની વાત કરતાં જણાવ્યું હતું કે, કવિતામાં ચમત્કૃતિ આવવી જોઈએ, માત્ર શબ્દોની ગોઠવણી કરવાથી કાવ્ય બનતું નથી.
આ પ્રસંગે દિનેશ ડોંગરે, નૈષધ મકવાણા, રાકેશ સાગર, આશાબેન ગામીત જિગીશા ચૌધરી, અનિલ મકવાણા, રોશન ચૌધરી, પ્રદીપ ચૌધરી, ભગવતી કેવટ, સુજીત ચૌધરી, જતીન ચૌધરી, દીપિકા ચૌધરી,અને પ્રદીપસિંહ રાઉલજીએ સ્વરચિત કાવ્ય રચનાઓનું ભાવવાહી પઠન કર્યુ હતું. ઉપરોકત શિબિરમાં વ્યારા કોલેજમાંથી ૧૫, સોનગઢ કોલેજમાંથી ૨૨, અને અન્ય વ્યવસાયી ૧૩, મળીને ૫૦ જેટલા લોકો લાભાન્વિત થયા હતા.
આ પ્રસંગે સાહિત્ય, સંગીત, કલા, કે શિક્ષણમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી PhD. ની પદવી પ્રાપ્ત કરવા બદલ ડૉ.સંગીતા મિસ્ત્રીને તથા ૧૪ વર્ષની ઉંમરે સંગીત વિશારદ ભારત નાટ્યમની પરીક્ષા ઉત્તીર્ણ કરવા બદલ કુ.કૃષ્ણપ્રિયા ગામીતને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે સંયોજક નૈષધ મકવાણાએ સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગીતા મકવાણા, આશિષ શાહ, ચેતન ચૌધરી, ડો.મેરુ વાઢેર, કાન્તિ ચાવડા ચંદ્રસિંહ ચૌધરી, ઉમેશ તામસે એ જહેમત ઊઠાવી શિબિરને સફળતા અપાવી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦૦