શ્રેષ્ઠ શિક્ષક તરીકે કોસમ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષિકા શ્રીમતી રમીલાબેન સોલંકીનું સન્માન
(દિપા મોરે દ્વારા, સુરત) : એક સમર્થ શિક્ષક શિષ્ય, સમાજ અને સંસારમાં ક્રાંતિ લાવી શકે છે. નવું જગત રચવાનું સામર્થ્ય શિક્ષકમાં છે. શિક્ષકનાં જન્મજાત ગુણો ધરાવનાર વ્યક્તિ જ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકે છે. આ તમામ સદગુણોને પોતાનાં સ્વભાવમાં વણી લેનાર ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કોસમ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષિકા શ્રીમતી રમીલાબેન રમેશભાઈ સોલંકી
પ્રતિભાશાળી શિક્ષક તરીકે ઉભરી આવેલ છે. જેની નોંધ લઇ શિક્ષણ વિભાગે વર્ષ ૨૦૨૦-૨૧ માટે તેમનું નામ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે જાહેર કરેલ છે.
લોકડાઉન દરમિયાન વર્ચ્યુઅલ ક્લાસ અને ત્યારબાદ શેરી શિક્ષણની ઉત્કૃષ્ટ કામગીરી બજાવનાર શ્રીમતી રમીલાબેન સોલંકીને આજરોજ વિશ્વ શિક્ષક દિવસનાં શુભ અવસરે સાંધિયેરનાં સી.આર.સી.કો-ઓર્ડિનેટર નિલેશભાઈ પટેલનાં હસ્તે સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાનાં આચાર્ય સૂર્યકાંતભાઈ પટેલ તથા સ્ટાફગણે તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.