૩૦થી ઓછી સંખ્યા વાળી સરકારી સ્કુલ બંધ કરવાનું ફરમાન ગેરબંધારણીય છે : રોમેલ સુતરિયા
મતાધિકાર અને શિક્ષણ બંન્ને સંવિધાને આપેલા મુળભુત અધિકાર છે તો એક મત માટે એક પોલીંગ બુથ તો ૩૦ થી ઓછા બાળકો માટે એક સ્કુલ કેમ નહી ? – રોમેલ સુતરિયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગત રોજ માંડવી રેસ્ટ હાઊસ ખાતે માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી દ્વરા પહેલ કરી દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો સાથે સરકાર દ્વારા મર્જ કરવાના નામે જે સરકારી સ્કુલો બંધ કરવાની નિતિ અપનાવવામાં આવી છે તે બાબતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે બેઠકમા દક્ષિણ ગુજરાતના ડાંગ, વાંસદા , નિઝર, વ્યારા, માંડવી ડેડિયાપાડાના ધારાસભ્યોએ હાજરી આપી હતી. સાથે જ આ બેઠકમાં આયોજક ધારાસભ્યના આમંત્રણને કારણે કર્મશીલ તરીકે ફરજ બજાવતા આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચાના અધ્યક્ષ રોમેલ સુતરિયા તથા તેમની ટીમની પણ હાજરી જોવા મળી હતી.
સરકાર દ્વારા સર્વે કરી જે ૩૦ થી ઓછી સંખ્યા વાળી શાળાઓ ને અન્ય શાળા સાથે મર્જ કરવાનો અર્થાત તે શાળા બંધ કરવાની જે નિતિ અપનાવવામાં આવી છે તે વિશે આદિવાસી વિસ્તારમાં શિક્ષણના સ્તર ઊપર તથા ગામોમાં થનાર અસર વિશે ચર્ચા કરવામાં આવી હતી . વિવિધ ધારાસભ્યો દ્વારા પોતાના મત વિસ્તારમાં સરકારી શાળા બંધ નહી થવા દેવા બાબતે કામગીરી કરવાની તૈયારી દાખવી હતી તેમજ જરુર પડ્યે તમામ ધારાસભ્ય આંદોલનની દિશામાં આગળ વધવા તૈયારી દર્શાવી હતી. સાથે ધારાસભ્યોના ડેલીગેશન દ્વારા રાજ્યપાલ ને જરુરી રજુઆત કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સાથે વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ રજુ કરવાની ચર્ચાઓ કરવામાં આવી હતી.
કર્મશીલ તરીકે ધારાસભ્યો સાથેની આ બેઠકમાં હાજર અને સતત શિક્ષણ મુદ્દે કેજી ટુ પીજી(બાલમંદિર થી પોસ્ટ ગ્રેજ્યુએશન) સુધી મફત શિક્ષણનો કાયદો ગુજરાતમા બને તેની સરકારમાં અનેક રજુઆત કરનાર તથા આ મુદ્દે યુવાનોના હિતમાં અવાજ ઊઠાવનાર રોમેલ સુતરિયાએ જણાવ્યું હતુ કે શિક્ષણ ૨૦૦૨ ના ૮૬ માં સંવિધાન સંશોધનમાં શિક્ષણ ને મુળભુત અધિકાર નો દરજ્જો આપવામાં આવ્યો છે જેથી ભારતના તમામ નાગરિકોને શિક્ષણનો મુળભૂત અધિકાર મળી રહે તે માટેની નિતિ બનાવવાની જવાબદારી સરકાર તથા તમામ ધારાસભ્ય, સાંસદ તથા નાગરિકોની છે. તેવામાં હજારો ગરીબ પરિવારના બાળકો શિક્ષણથી વંચિત રહી જાય તે પ્રમાણે ભૌગોલિક પરિસ્થિતિના અભ્યાસ વિના ૩૦ થી ઓછી સંખ્યા વાળી સ્કુલ બંધ કરવાનું ફરમાન ગેરબંધારણીય છે. લોકતંત્રમાં એક મત માટે પણ આપણે પોલીંગ બુથ બનાવવા સક્ષમ છીએ કારણ આપણા દેશની સમજ અને માનસિકતા છે કે વોટ તે નાગરિકનો મુળભૂત અધિકાર છે ત્યારે શિક્ષણ જે મુળભુત અધિકાર છે તેને સંખ્યામાં માપવુ અયોગ્ય છે. સાથે જ જણાવ્યું હતુ કે તેવુ તો શું કારણ છે કે સરકારી શાળાઓ માં સંખ્યા ઓછી થઇ રહી છે તેની ચિંતા કરવાની જગ્યાએ શાળાઓ બંધ કરવાનો નિર્ણય યોગ્ય નથી. સરકારી શાળાઓ ગુણવત્તાસભર શિક્ષણ આપે અને શિક્ષણના વેપાર તથા ખાનગીકરણ ઊપર સરકાર નિયંત્રણ કરે તે પ્રકારની નિતિ બનાવવાની જગ્યાએ આ પ્રકારનો નિર્ણયથી હજારો ગરીબ બાળકો શિક્ષણ જે તેનો મુળભુત અધિકાર છે તેનાથી વંચિત રહી જશે. જેથી એક કર્મશીલ તરીકે સરકારના આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડી કાઢી તમામ ધારાસભ્ય એ પક્ષ-વિપક્ષથી પર ઊઠી આ મુદ્દે રાજકારણ ને બાજુ મુકી યુવાનો અને દેશના હિતમાં અવાજ મજબુત બનાવવાની પહેલ કરનાર આદિવાસી ધારાસભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ શિક્ષણ ના આ મુદ્દે તમામ પક્ષના ધારાસભ્યો એકજુટ થાય તો જ સરકાર સાથે જરુરી ચર્ચા કરી યોગ્ય નિતિ બનાવી શકાય તેમ જણાવ્યું હતું.
બેઠક બાદ તમામ ધારાસભ્યો દ્રારા આ નિતિનો જાહેરમાં વિરોધ નોંધાવવા બાબતે પત્રકાર પરિષદ નું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. હવે જોવાનુ એ રહે છે કે આદિવાસી અને ગરીબ વર્ગના બાળકો અને યુવાનોના હિતમાં સરકાર શાળા મર્જ કરવાની નિતિ બાબતે પુન:વિચાર કરી નિર્ણય પરત લેશે કે પછી જે શાળાઓ બંધ કરવામાં આવનાર છે તે વિસ્તારોમાં નાગરિકોએ આંદોલનની દિશામાં આગળ વધવું પડશે.