ઈફકો અને ક્રિભકોનાં સહયોગ સાથે કે.વિ.કે.-વ્યારા ખાતે ભારતની આઝાદીનો અમૃત મહોત્સવ અને આંતરરાષ્ટ્રીય હલકા ધાન્યપાક વર્ષ – ૨૦૨૩ અંતર્ગત “રાષ્ટ્રીય પોષણ માસ અને વૃક્ષારોપણ અભિયાન”

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત તાપી જીલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર દ્વારા તા. ૧૭/૦૯/૨૦૨૧ નાં રોજ ઈફકો અને ક્રિભકોનાં સહયોગ સાથે કે.વિ.કે.-વ્યારા ખાતે ભારતની આઝાદીનો અમૃત મહોત્સવ અને આંતરરાષ્ટ્રીય હલકા ધાન્યપાક વર્ષ – ૨૦૨૩ અંતર્ગત રાષ્ટ્રીય પોષણ માસ અને વૃક્ષારોપણ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો. સદર કાર્યક્રમમાં તાપી જીલ્લાનાં ૧૦૧ ખેડૂતમિત્રો તેમજ ૭૨ કન્યાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પ્રસારિત રાષ્ટ્રીય પોષણ માસ અને વૃક્ષારોપણ અભિયાન કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. જેમાં ભારતનાં કૃષિ મંત્રીશ્રી, માન. એન.એસ.તોમર, ભારતનાં રાજ્ય કક્ષાનાં કૃષિ મંત્રીશ્રી, મા. કૈલાશ ચૌધરી અને ભા.કૃ.અ.પ. નાં ડાયરેક્ટર જનરલ, ડૉ. ટી.મહાપાત્રાએ પ્રસંગોચિત્ત ઉદબોધન કર્યુ હતું.
કેન્દ્રનાં વડા ડૉ. સી.ડી.પંડયાએ ખેડૂતોમિત્રોને આવકારી તેમનું ભાવભીનું સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ તેમણે સદર કાર્યક્રમનો હેતુ સમજાવી ખેડૂતોને પોષણયુક્ત સમતોલ આહાર દ્વારા શરીરની તંદુરસ્તી જાળવવા અને પર્યાવરણનાં જતન માટે વધુ વૃક્ષો વાવવા હાંકલ કરી હતી.
ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ હલકા ધાન્યવર્ગનાં પાકોમાં રહેલ વિવિધ પોષક તત્વોનાં મહત્વ વિશે માહિતી આપી ઉપસ્થિત સર્વે ખેડૂત ભાઈઓ અને મહિલાઓને આહારમાં નાગલીનો વધુ ઉપયોગ કરવા ઉપર ભાર મૂક્યો હતો.
ડૉ. ધર્મિષ્ઠા એમ.પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત) એ ટકાઉ કૃષિ અને ગ્રામીણ આજીવાકીમાં વૃક્ષારોપણનું મહત્વ વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે વધતી વસ્તીને પગલે માનવ જીવનની જરૂરિયાતોને પૂરી પાડવા તથા પ્રદૂષણને ઘટાડવા વૃક્ષારોપણ અતિ મહત્વનું બની જાય છે. આ સાથે વધુ વૃક્ષો વાવી તેનાં જતન દ્વારા પર્યાવરણને શુધ્ધ બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમનાં અંતે કેન્દ્રનાં વડા તેમજ વૈજ્ઞાનિકો દ્વારા કે.વિ.કે. પરીસરમાં તેમજ ખેડૂત મહિલાનાં ફાર્મ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે ખેડૂતોને ૧૫૨ કિચન ગાર્ડન કીટ અને જુદાં જુદાં કુલ ૧૧૦૯ ફળ ઝાડો જેમકે આમળાં, આંબલી, જમરૂખ, જાંબુ, બદામ અને ફણસનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત ૮ ખેડૂત મહિલાઓને કોરોના વેક્સિનની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
ડૉ. એ. જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ) દ્વારા આભારવિધી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. ધર્મિષ્ઠા એમ.પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other