કલેક્ટરશ્રી એચ. કે. વઢવાણીયાના હસ્તે તાપી જિલ્લાના ૧૫ દિવ્યાંગ ઉમેદવારોને રોજગાર એનાયત પત્ર એનાયત કરાયા:
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તાપી જિલ્લાના દિવ્યાંગ ઉમેદવારોને રોજગારી આપવાના સંયુક્ત પ્રયાસો થકી જિલ્લાના ૧૫ જેટલા દિવ્યાંગ ઉમેદવારોને ખાનગીક્ષેત્રમાં રોજગારી આપવામાં આવી છે. તેઓને આજે કલેક્ટર કચેરીના સભાખંડમાં નવ નિયુક્ત કલેક્ટરશ્રી એચ. કે.વઢવાણીયાના હસ્તે રોજગારપત્ર એનાયત આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ પસંદગી પામેલ દિવ્યાંગ ઉમેદવારોને ઉજવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર કચેરીના અધિકારી-કેરીયર કાઉન્સીલરો દ્વારા જિલ્લાના ઔદ્યોગિક એકમોનો સંપર્ક કરી તેઓના એકમોમાં રહેલ ૨૦ જેટલી જગ્યાઓ મેળવી લાયકાત મુજબ દિવ્યાંગ ઉમેદવારોનો સંપર્ક કરી તેઓની વેકેન્સી સામે ઉમેદવારોની પ્રોફાઈલ મેચીંગ કરીને ઔદ્યોગિક એકમોમાં ૧૫ દિવ્યાંગોને રોજગારી પુરી પાડવા માટે સફળતા મળી હતી. જે અન્વયે દિવ્યાંગ ઉમેદવારોને રોજગારી આપવામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-વ્યારા અને સરકારી શ્રમ અધિકારી-વ્યારાનો સહયોગ મેળવી જિલ્લા રોજગાર વિનિમય કચેરી વ્યારા-તાપી દ્વારા જિલ્લાના ઔદ્યોગીક એકમોમાંથી ૨૦ થી વધુ દિવ્યાંગ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ છે, જે પૈકી આજે ૧૫ ઉમેદવારોને રોજગારપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પૂર્વ કલેક્ટર આર.જે.હાલાણી, જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડીયા,પોલિસ વડા સુજાતા મજમુદાર, નાયબ વનસંરક્ષકશ્રી આનંદકુમાર તથા નોકરીદાતાઓ સહિત સબંધિત અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નોકરી દાતાઓને પણ દિવ્યાંગ ઉમેદવારોને રોજગારી આપવા બદલ પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા.રોજગાર અધિકારી એન.ડી.ભીલ દ્વારા જિલ્લાના દિવ્યાંગ ઉમેદવારો વધુમાં વધુ રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવે અને રોજગારી મેળવવા માટે રોજગાર કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.
૦૦૦૦૦૦