તાપી જિલ્લામાં વેક્સિનેશન મહાઅભિયાનનો શુભારંભ
જિલ્લાના સાત તાલુકાઓમાં ૨૫ સેન્ટરો ઉપર કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત મહાનુભાવોએ વેક્સિનેશન મહાઅભિયાન દરમિયાન લોકોને વેક્સિન માટે પ્રેરિત કર્યા..
તાપીમાં સાંજે ૪ વાગ્યા સુધીમાં ૭૦૩૪ લોકોએ વેક્સિન મુકાવી મહાઅભિયાન સફળ બનાવ્યું..
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તા.૨૧ઃ ૨૧ મી જૂન આંતરરાષ્ટ્રિય યોગ દિવસે સમગ્ર દેશ અને રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર તાપી જિલ્લામાં ૭ તાલુકાઓમાં ૨૫ જેટલા વેક્સિનેશન સેન્ટરો ઉપર આજરોજ જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પંચાયત પ્રમુખ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કરાયું છે.
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે અર્બન હેલ્થ સેન્ટર ખાતે કલેકટર આર.જે.હાલાણીએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કરવામાં આવેલ છે. જિલ્લામાં આજરોજ ૧૦૦ થી વધુ સાઈટ ઉપર ૧૦,૦૦૦ લોકોને વેક્સિન આપવાનું આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
વાલોડ તાલુકાના કલમકુઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાએ વેક્સિન અંગે સંદેશ આપતા જણાવ્યું હતું કે તજજ્ઞો દ્વારા કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. ત્યારે આપણે સૌએ કોરોના સામેના જંગમાં સુરક્ષિત રહેવા માટે વેક્સિન લેવુ ખૂબ જ હિતાવહ છે. વેક્સિન એક અમોઘ શસ્ત્ર છે. તેની કોઈ જ આડ અસર થતી. આપણે આપણાં કુટુંબને કોરોનાથી બચાવવા અચૂક વેક્સિન લેવી જોઈએ. વેક્સિન અંગેની અફવાઓથી દુર રહીએ. કલમકુઈ ગામે વધુ ને વધુ લોકોને વેક્સિન લઇ સુરક્ષીત રહેવા જિલ્લા વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો હતો.
કોવિડ ૧૯ વેક્સિનના રસીકરણના મહાઅભિયાન દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સૌપ્રથમ રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ વિડિયો ક્લીપ નિદર્શન કરાયું હતું. રસીકરણના લાભાર્થીઓ માટે સ્પોટ રજીસ્ટ્રેશન,સેલ્ફી પોઈન્ટ,પુરૂષ અને સ્ત્રીઓ માટે અલાયદા રેસ્ટ રૂમ ઉભા કરવામાં આવ્યા હતા. કોવિડ રસી લીધા બાદ લાભાર્થીઓએ લેવાની કાળજી અંગે નર્સ બહેનો દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલના જણાવ્યાનુસાર સાંજે ૪-૦૦ કલાક સુધીમાં ૭૦૩૪ લોકોએ વેક્સિન લઈ વેક્સિનેશન મહાઅભિયાનને વેગવંતુ બનાવ્યું છે. ડો.કે.ટી.ચૌધરી, ડો.નિકુંજ ચૌધરી સહિત આરોગ્ય વિભાગના તમામ ડોકટરો/સ્ટાફ આ અભિયાનમાં ઉત્સાહભેર જોડાયા હતા.
૦૦૦૦૦૦૦