અમેરિકામાં રહેતા વાંકલ ગામના પરિવાર દ્વારા જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરાયું
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાના વાંકલ ગામના વતની અને હાલ અમેરિકામાં વસવાટ કરતા વતન પ્રેમી પરિવારે વાંકલ સહિત ચાર ગામોમાં જરૂરીયાત મંદ લોકોને અનાજની કીટ અને દવાનું વિતરણ કરી માનવતા મહેકાવી છે. વાંકલ ગામના પૂર્વ ઉપ સરપંચ સુશીલાબેન ગિલ્બર્ટભાઈ રાઠોડ દ્વારા ભૂતકાળમાં વાંકલ ગામમાં અનેક સેવા કાર્યો કરવામાં આવ્યા હતા તેમના દીકરી સપનાબેન સુભાષચંદ્ર ગાંધી અમેરિકામાં તેઓ હોસ્પિટલમાં નર્સિંગ સેવામાંથી હાલ નિવૃત્ત થયા છે તેમની પુત્રી રાની ગાંધી અને સમગ્ર પરિવારે પોતાના વતનમાં રહેતા અને કોરોનાના કારણે અસરગ્રસ્ત થયેલા ગરીબ કુટુંબો માટે ૫૨ જેટલી અનાજની કીટ તૈયાર કરી જરૂરિયાત મંદોને પહોંચાડવાનું આયોજન કર્યું હતું. વાંકલ, વેરાવી, નાનીફળી, નાંદોલા, ઇશનપુર, લવેટ વગેરે ગામના જરૂરિયાતમંદ લોકોને સ્થાનિક આગેવાનો વાંકલ ગામના ઠાકોરભાઈ વનજીભાઈ ચૌધરી તેમજ પુરોહિત વિશ્વવાણી સંસ્થાના દેવસિગ વસાવા વગેરેના હસ્તે અનાજ કીટનું તેમજ દવાનું વિતરણ કરાયું હતું.