તાપી જિલ્લામાં કોરોના મહામારીના મૃતક પરિવારજનોને સાંત્વના આપતા મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા

Contact News Publisher

કોરોના સામે રક્ષણ માટે વેક્સિન દરેક લોકોએ લેવી જોઈએ:
…………
પ્રજાજનોના સાથ સહકારથી જ આ રોગચાળા પર સંપૂર્ણપણે નિયંત્રણ કરી શકાશે:
…………
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી)  :  તા.27: રાજ્યના આદિજાતી વિકાસ, વન મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ આજરોજ તાપી જિલ્લાના સોનગઢ, ડોલવણ, વ્યારા તાલુકાના ગામોમાં કોરોનાનો ભોગ બનેલા લોકોના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લઇ સાંત્વના પાઠવી હતી.
કોરોના મહામારીના સમયમાં મૃતકોના પરિવારજનોને સંવેદના સાથે સાંત્વના આપતા તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે વેક્સિન જ કારગર ઉપાય છે. કોરોનાના બીજા તબક્કામાં જેમણે વેક્સિન લીધી છે તેઓ કોરોના સામે સલામત રહી શક્યા છે. સૌ આગેવાનો, ગ્રામજનોને મારી અપીલ છે કે વેક્સિન અંગે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર અને અફવાઓથી દુર રહીએ. કોરોનાના સામાન્ય લક્ષણ હોય તો પણ દેશી દવાઓ સાથે સરકારી દવાખાને પણ સારવાર લેવી જોઈએ. તેમણે જણાવી ઉમેર્યું હતું કે, લોકોમાં જાગૃતિ આવે તે માટે આપણે સૌએ સાથે મળીને કામ કરીએ. તાપી જિલ્લામાં કોરોના કેસના ગ્રાફમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે પ્રજાજનો વધુ સાવચેતી જાળવે તે માટે માસ્ક-સેનિટાઈઝરનો ઉપયોગ કરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવા આગ્રહ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા વહિવટી તંત્ર કોરોનાને કાબૂ કરવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે પરંતુ પ્રજાજનોના સાથ સહકારથી જ આ રોગચાળા પર સંપૂર્ણપણે નિયંત્રણ કરી શકાશે. તેથી આ ઝુંબેશમાં જનભાગીદારી માટે આહ્વવાન કર્યું હ્તું.
મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ તાપીની મુલાકાતમાં આજે સોનગઢ તાલુકાના ખેરવાડા, ચીમકુવા, ધુટવેલ, ટાપરવાડા, સાંઢકુવા ગામ, વ્યારા તાલુકાના ડોલારા, ઝાંખરી, ચાંપાવાડી અને ડોલવણ તાલુકાના પાટી અને ઘાણી ગામે કોરોના મહામારીનો ભોગ બનેલા લોકોના પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત લઇ સાંત્વના પાઠવી હતી.
કોરોના મહામારીના સમયમાં મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવાના પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજભાઈ વસાવા, મામલતદાર વ્યારા બી.બી.ભાવસાર, નર્મદ યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ડૉ.જયરામભાઇ ગામીત, ડોલવણ મામલતદાર અશોકભાઇ ડાંગી, લાયઝન અધિકારી એચ એલ ગામીત, સોનગઢ નગરપાલિકા પ્રમુખ ટપુભાઈ ભરવાડ, મોહનભાઈ કોંકણી, તાપી પ્રભારી અશોકભાઈ ધોરાજીયા, સહ પ્રભારી ડિમ્પલબેન પટેલ, સરપંચો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other