તાપી : સોનગઢનાં દુમદા ગામનાં યુવકની હત્યા કરી નહેરમાં ફેંકી દેવાયેલ લાશ ઝાંખરી ગામની નહેરમાંથી મળી આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): વ્યારા તાલુકાનાં ખાનપુર ગામની સીમમાંથી પસાર થતી ઝાંખરી નદી ઉપર આવેલ અંડર ગ્રાઉન્ડ નહેરનાં બ્રીજ પાસે ઉકાઈ ડાબા કાંઠા નહેરનાં પાણીમાંથી સોનગઢ તાલુકાનાં દુમદા ગામનાં 32 વર્ષીય યુવક રાજેશભાઈ જયંતિભાઈ ગામીતની હત્યા કરી નાખી દેવામાં આવેલ ડેથબોડી મળી આવી હતી.
પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ સોનગઢ તાલુકાનાં દુમદા ગામનાં ઝાડ ફળીયામાં રહેતા 32 વર્ષીય યુવક રાજેશભાઈ જયંતિભાઈ ગામીતની ગત તા. 9/4/21 થી તા. 11/4/21 દરમ્યાનનાં સમયગાળામાં હત્યા કરી પુરવાનો નાશ કરવા લાશને નહેરમાં નાખી દીધી હતી. બનાવની વિગત જોઈએ તો, મરણ જનાર રાજેશભાઇ જયંતીભાઇ ગામીત , ઉ.વ. 32, રહેવાસી દુમદા ગામ , ઝાડ ફળીયું , તા.સોનગઢ , જી.તાપી નાનો તા .૦૯ / ૦૪ / ૨૦૨૧ ના રોજ રાત્રિના સાડા આઠેક વાગે ખેતરમાં મોટર ચાલુ કરી , થોડી વારમાં આવું છું ” તેમ કહી એકટીવા મો.સા. નંબર GJ – 26 – Q – 860 ની લઇને નીકળેલો તે દરમ્યાન કોઇ ઇસમે કોઇ કારણસર તેને કોઇ હથિયાર વડે માથાના પાછળના ભાગે બે ઘા તથા ગળાના ભાગે બે જીવલેણ ઘા મારી ખુન કરી નાખી , પુરાવાનો નાશ કરવાના ઇરાદે લાશને ઉકાઇ ડાબા કાંઠા નહેરના પાણીમાં ફેકી દિધી હતી. જે અંગે દુમદા ગામનાં સોમિયેલ જયંતિભાઈ ગામીતે ફરિયાદ આપી છે અને શકદાર તરીકે 1. ગુરજીભાઈ ઉર્ફે ગુલિયો રામુભાઈ ગામીત અને 2. મેથુબેન ગુલસીંગ ગામીત બંને રહે. દુમદા. તા. સોનગઢનાં નામો લખ્યા છે.
આ અંગે વ્યારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની વધુ તપાસ વ્યારા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલ કરી રહ્યા છે.