તાપી કલેકટરના હસ્તે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિ:શુલ્ક ઓનલાઇન તાલીમ વર્ગોના પ્રથમ તબક્કાનો ઈ-શુભારંભ
જિલ્લા વહીવટીતંત્ર અને ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી.ના સહયોગથી “સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઈન તાલીમ વર્ગ” નો “ઈ-શુભારંભ”
…………….
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.21: તાપી જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શન તથા ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી. કાકરાપારના સાઈટ ડાયરેક્ટર એન.વેન્કાટાચલમના સહયોગથી અને જિલ્લા રોજગાર અધિકારી તાપીના સફળ સંકલન સાથે જિલ્લાના શિક્ષિત યુવક-યુવતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના નિ:શુલ્ક ઓનલાઇન તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ચાલી રહેલ COVID-19 ની પરીસ્થિતીમાં મળેલા ફ્રી સમયનો સદઉપયોગ કરી સરકારી નોકરીની તૈયારી કરી શકે તેવા ઉચ્ચ ઉદેશ્યથી આ વર્ગોનો પ્રથમ તબક્કાનો ઈ-શુભારંભ કરવામાં આવ્યો છે.
આ તાલીમમાં જિલ્લાના ઉમેદવારોને GPSC, GSSSB, IBPS, SSC, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ વગેરે દ્વારા યોજનાર નાયબ માલતદાર, નાયબ સેક્શન ઓફીસર, સ્ટેટ ટેક્ષ ઈન્સ્પેક્ટર, સિ.ક્લર્ક, જુ.ક્લર્ક, પ્રોબેશન ઓફીસર, બેંક ક્લાર્ક, PSI, IO, ASI વગેરેની પરીક્ષા સબંધી ઓનલાઈન તાલીમની શરૂઆત વિના મુલ્યે ૯૦ દિવસ માટે કરવામાં આવી છે.
તાલીમના ઇ-શુભારંભ પ્રસંગે કલેક્ટર દ્વારા વર્ચુલી તાલીમાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “જિલ્લાના ગામ્રીણ યુવક-યુવતીઓ આર્થિક પરીસ્થિતી નબળી હોવાના કારણે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાનગી ક્લાસની ફી ભરી શકતા નથી તેથી આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીથી વંચિત ના રહે તેમજ હાલમાં ચાલી રહેલ COVID-19 ની પરીસ્થિતીના ઘરે રહીને પરીક્ષાની યોગ્ય રીતે તાલીમ મેળવી રહે તે ઉદ્ધેશ્યથી ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી. કાકરાપાર-ઉકાઇના આર્થિક સહયોગથી આ તાલીમ વર્ગ શરૂ કરવામાં આવેલ છે. જેમાં કાકરાપાર અસરગ્રસ્ત ગામોના તથા ઉચ્છ્લ નિઝર અને કુકરમુંડાના ૨૦૦થી વધુ તાલીમાર્થીઓને વિનામુલ્યે આ તાલીમનો લાભ આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી.ના સાઈટ ડાયરેક્ટર, એન.વેન્કાટાચલમે તાલીમાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, NPCIL સતત આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે વિવિધ પ્રવૃતિઓ કરે છે, તે મુજબ આ તાલીમ મેળવી અસરગ્રસ્ત ગામોના યુવક-યુવતીઓ સરકારી નોકરીમાં સફળતા મેળવે તે હેતુથી જિલ્લા રોજગાર કચેરી-તાપીના સંકલનમાં રહી આ તાલીમ શરૂ કરવામાં આવી છે, તેમણે ઉમએવારોને આ તાલીમ મેળવી પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવે તેવી શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે રોજગાર અધિકારી, એન.ડી.ભીલ, NPCIL ના હેડ (એચ.આર.), સી. પદ્મનાભન અને ચેરમેન (CSR), NPCIL, નિતિન કેવટ, ડાયરેક્ટર- બેંકીંગ એકેડમી, ચેતન ભિમાનીએ ઉમેદવારોને માર્ગદર્શન પુરૂ પાડેલ હતું. આ સમગ્ર તાલીમનું આયોજન અને સંકલન જિલ્લા રોજગાર વિનિમય કચેરી વ્યારા-તાપી દ્વારા કરવામાં આવી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦