તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામુલ્યે અનાજનો લાભ મળશે
તાપી જિલ્લાના કુલ ૧,૩૪,૧૭૩ રેશનકાર્ડ ધારકોને આ લાભ મળશે
……………
વ્યારા તાલુકાના સરૈયા ગામે કલેક્ટરશ્રી આર.જે.હલાણીએ અનાજ વિતરણ કર્યું
…………..
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.1૩: કોરોના વાયરસ મહામારીની સ્થિતિને ધ્યાને લઈ હાલમાં પ્રવર્તમાન સમયમાં ભારત સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” (PMGKAY-phase-3) હેઠળ માહે-મે-૨૦૨૧ અને જુન-૨૦૨૧ એમ બે માસ માટે “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩” હેઠળ સમાવિષ્ટ તમામ રેશનકાર્ડ ધારકોને વ્યક્તિદિઠ ૩.૫ કિ.ગ્રા. ઘઉં અને ૧.૫ કિ.ગ્રા. ચોખા મળીને કુલ ૫ કિ.ગ્રા. અનાજ વિનામુલ્યે આપવામાં આવશે. જે અંતર્ગત તાપી જિલ્લામાં કુલ ૧,૩૪,૧૭૩ રેશનકાર્ડ ધારકોની કુલ ૬,૧૯,૮૨૮ જનસંખ્યાને સરકારશ્રીની આ યોજના હેઠળ વિનામુલ્યે અનાજનો લાભ મળશે.
ભારત સરકારની વન નેશન વન રેશન યોજના અંતર્ગત દેશનાં કોઈ પણ રાજ્યનાં તથા ગુજરાતનાં કોઈ પણ ગામ કે શહેરના NFSA રેશનકાર્ડ ધારક ધંધા-રોજગારી અર્થે અત્રેના જિલ્લામાં વસવાટ કરતા હોય તો તેવા તમામ NFSA રેશનકાર્ડ ધારકોને તેઓની નજીકમા આવેલ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર સંચાલીત વાજબી ભાવની દુકાન ખાતેથી તેઓને મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી સરકારશ્રીની વન નેશન વન રેશન યોજનાનો લાભ મેળવવા અનુરોધ કરવામાં આવે છે.
જે અંતર્ગત આજે કલેક્ટરશ્રી આર.જે.હલાણીએ વ્યારા તાલુકાના સરૈયા ગામે વાજબી ભાવની દુકાનેથી લાભાર્થીઓને અનાજ વિતરણ કર્યું હતુ. આ પ્રસંગે તેમણે ભારત સરકારની “સોશ્યલ ડીસ્ટન્સીંગ” અંગેની ગાઈડ લાઈન મુજબ દરેક વાજબી ભાવની દુકાન ખાતે ભીડ ન થાય તે માટે લાભાર્થીઓ વચ્ચે ૧.૫ મીટરનું અંતર જળવાય તે રીતે લાભાર્થીઓને ઉભા રહેવા માટે સર્કલ બનાવવા તેમજ લાભાર્થીઓને આગોતરાં ટોકન આપવા તથા ગરમીની સીઝનમાં લાભાર્થીઓને તકલીફ ન પડે તે સારૂ મંડપની વ્યવસ્થા તથા સેનેટાઇઝ ટનલ તથા હેન્ડ વોશ કરી વિતરણ કરાવવા અંગે તકેદારી પૂર્વકનું આયોજન પુરવઠા તંત્ર તાપી દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
0000000