તાપીમાં આરોગ્ય કર્મીઓએ ખડેપગે પોતાની ફરજ અદા કરી અત્યાર સુધી ૧૦૮૨૬૪ લોકોને વેક્સિન આપી સુરક્ષિત કર્યા
“કોરોનાથી બચવા વેક્સીન કારગર હથિયાર છે: વેક્સિન લો, સુરક્ષિત રહો”- ડો. હર્ષદ પટેલ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 05: કોરોના વાયરસ ઘાતક છે પરંતુ તાપી જિલ્લાના લોકોમાં આ રોગચાળાને લઈ જાગૃતતા જોવા મળી રહી છે તે સરાહનિય છે. લોકોમાં જોવા મળી રહેલી જાગૃતતાનું જ પરિણામ છે કે લોકો રસીકરણ માટે સ્વયંમ આગળ આવી રહ્યા છે અને રસી લીધા બાદ પોતાનો અભિપ્રાય આપી અન્ય લોકોને પણ રસી લેવા માટે પ્રેરીત કરી રહ્યા છે. લોકો એક જવાબદાર નાગરિક તરીકે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ તમામ પ્રોટોકોલના પાલનની સાથે માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે, ભીડભાડ વાળી જગ્યાથી દૂર રહી સામાજિક અંતર જાળવીને કોરોનાને હરાવવા પોતાની નૈતિક ફરજ અદા કરી રહ્યા છે. આ સાથે કોરોનાના સંક્રમણને રોકવા જિલ્લામાં વેક્સિનેશન કાર્યક્રમ હેઠળ એક લાખથી વધુ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેમાં આજદિન સુધી તાપી જિલ્લામાં ૧૦૮૨૬૪ લોકોને વેક્સિનનો ડોઝ આપી સુરક્ષિત કરાયા છે. જ્યારે વ્યારામાં ૨૬૬૪૧, ડોલવણમાં ૧૩૪૭૯, વાલોડમાં ૧૪૫૦૫, સોનગઢમાં ૩૦૧૪૭, ઉચ્છલમાં ૧૦૦૪૩, નિઝરમાં ૮૪૮૧ અને કુકરમુંડામાં ૪૯૬૮ લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યા છે.
૦૦૦૦૦૦૦