તાપી જિલ્લામાં 107333 નાગરિકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા
રસીકરણ બાદ લોકો પોત-પોતાના અભિપ્રાયો જણાવી
બીજા લોકોને વેક્સિન લેવા જણાવી રહ્યા છે.
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 04: તાપી જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને નાથવા માટે જિલ્લા વહિવટી તંત્ર અથાગ પ્રયાસો કરી રહ્યું છે. કોરોનાની આ લહેર ગંભીર છે માટે સંક્રમણ સામે સુરક્ષિત બનવા કોરોનાની રસી અસરકારક છે. રસીકરણ મહાઅભિયાન દ્વારા લોકોને વેક્સિન આપીને સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીના નેતૃત્વમાં વહિવટી તંત્રના અધિકારીઓ દ્વારા જિલ્લાના છેવાડા સુધી જઈ લોકોને રસીકરણ વિશે સમજણ પુરી પાડવામાં આવી રહી છે.
જિલ્લા વહિવટી તંત્ર રસીકરણ અભિયાનને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા સુસજ્જ અને પ્રતિબદ્ધ છે. કોરોના રોગચાળાની આ ચિંતાજનક પરિસ્થિતિમાં સંક્રમણની ચેન તોડવા રસીકરણ ખુબ જ જરૂરી છે જે કોરોના સામે સુરક્ષા કવચ સમાન છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હર્ષદ પટેલ દ્વારા મળેલ માહિતી મુજબ અત્યાર સુધી તાપી જિલ્લામાં કુલ 107333 લોકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેમાં વ્યારામાં 26414, ડોલવણમાં 13407, વાલોડમાં 14433, સોનગઢમાં 29947, ઉચ્છલમાં 9869, નિઝરમાં 8353 અને કુકરમુંડામાં 4910 જેટલા લોકોને અત્યાર સુધી રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.