તાપી જિલ્લામાં કોરોનાકાળમાં વેક્સિનેશન કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 04: સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે તાપી જિલ્લો પણ આ મહામારીથી બાકાત રહ્યો નથી. પરંતુ તાપી જિલ્લામાં કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે. કોરોના સંક્રમણને ધ્યાને લેતા વ્યારા મામલતદાર બી.બી.ભાવસાર દ્વારા વ્યારા તાલુકાના બી.આર.સી કો-ઓર્ડીનેટર, સી.આર.સી કો-ઓર્ડીનેટર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા મનરેગા યોજનાના અધિકારી અને સખીમંડળો સાથે સમીક્ષા બેઠક યોજીને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લામાં અત્યાર સુધી એક લાખ લોકોને રસીકરણ હેઠળ આવરીને સુરક્ષિત કરવામાં આવ્યા છે જે કોરોનાની ચેઈન તોડવા માટે ખુબ જ અસરકારક છે. કોરોનાને માત આપવા માટે હાલ રસીકરણ જ એક સુરક્ષા કવચ છે. તે માટે વહિવટી તંત્રના અધિકારીઓ દ્વારા લોકોને વધુમાં વધુ વેક્સિનેશન હેઠળ આવરી લેવા તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં, ગામડાઓમાં, છેવાડા સુધી જઈને લોકોને વેક્સિન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. વેક્સિન અંગે સમજણ પુરી પાડી રહ્યા છે અને વેક્સિનના ફાયદા વિશે લોકોને જણાવી રહ્યા છે કે શા માટે લોકોએ વેક્સિન લેવી જોઈએ. કોરોનાના આ લહેર ખુબ જ ગંભીર છે અને સંક્રમણ સામે સુરક્ષિત બનવા માટે રસી વેક્સિન ખુબ જ અસરકારક છે તે માટે વહિવટી તંત્રના અધિકારીઓએ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવા ઝુંબેશ હાથ ધરી છે.