તાપી જિલ્લાના જરૂરિયાતમંદ લોકોને કોરોનાકાળમાં મફત અનાજ વિતરણ અંગે બેઠક યોજાઈ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 04: કોરોનાના કપરાકાળમાં તાપી જિલ્લાના જરૂરિયાત મંદ લોકો માટે અન્ન પુરવઠા વિષયક વ્યવસ્થાઓ સુનિશ્રિત કરવા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKAY) હેઠળ મે તથા જૂન માસ દરમિયાન લોકોને નિ:શુલ્ક અનાજ વિતરણ સુચારુ રીતે મળી રહે તે માટે કલેક્ટરશ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તાલુકા સેવાસદન ઉચ્છલ ખાતે જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચો સાથે મળીને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં છેવાડાના જરૂરિયાત મંદ લોકો સુધી મફત અનાજ વિતરણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચર્ચાવિચારણા હાથ ધરવામાં આવી હતી.
વધુમાં કોરોનાને લગતા તમામ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી નાગરિકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની વ્યવસ્થા ઉભી કરવા સહિત રસીકરણ મહાઅભિયાનને ઝડપી બનાવવા તથા લોકો રસીકરણનો લાભ લઈ પોતે સુરક્ષિત થાય તે અંગે લોકજાગૃતિ માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. બેઠકમાં વિતરણ દરમિયાન કોઈ પણ પ્રકારની ફરિયાદો ના આવે તે માટે તકેદારી રાખવા સૌને તાકિદ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે તા.03-05-2021ના રોજ ઉચ્છલમાં જ ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન અંતર્ગત પણ જિલ્લા પુરવઠા અધિકારીએ તાલુકાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે કોરોના સંક્રમણની ચેન કઈ રીતે તોડી શકાય, કેવી રીતે કોરોનામાં સ્વબચાવ કરી શકાય અને વેક્સિનનું શું મહત્વ છે તે અંગે વિગતવાર ચર્ચા કરી હતી. વધુમાં જણાવ્યું હતુ કે, કોરોનાને કાબુ કરવા માટે જિલ્લા વહિવટી તંત્ર સમગ્ર કોશિશો કરશે. પરંતુ કોરોનાની ગતિને રોકવા માટે લોકોની જનભાગીદારી પણ સર્વોપરી છે.