મહારાષ્ટ્ર અને ડાંગ જિલ્લાની સરહદ ઉપર સૌથી વધુ ઊંચાઈ પર આવેલા સોનગઢ તાલુકાના રાસમાટી ગામમાં એક દિવસમાં ૨૦૦ મીટર પાઈપ લાઈન નાખી પાણી પહોચાડવાં આવ્યું
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.૦૩: પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા આજરોજ સોનગઢ તાલુકાના ઓટા મલંગદેવ વિસ્તારના સૌથી વધુ ઊંચાઈ પર આવેલા ગામ રાસમાટી ખાતે પીવાના પાણીની વ્યવસ્થા માટે યુદ્ધ સ્તર પર કામગીરી કરી એક દિવસમાં ૨૦૦ મીટર પાઈપલાઈન નાખી નજીકના પાણીના સોર્સથી જુના કૂવામાં પાણી પહોંચાડવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર અને ડાંગ જિલ્લાની સરહદ પર આવેલ સોનગઢ તાલુકાનું રાસમાટી ગામ પહાડો પર આવેલું છે. ભૌગોલિક પરિસ્થિતિના કારણે આ ગામમાં પાણીની સૌથી વધુ સમસ્યા ઉભી થાય છે. અગાઉના વર્ષોમાં તો ફેબ્રુઆરી માસથી જ રાસમાટી ગામમાં ટેન્કરો ચાલુ થઈ જતા હતા. પરંતુ ગત વર્ષ પહાડોની તળેટી પર આવેલા કૂવા પરથી મોટર પંપ અને પાઇપલાઇન ગોઠવી ઊંચાઈ પર આવેલા ગામમાં મનરેગા યોજના દ્વારા તૈયાર કરવામાં આવેલ કૂવામાં પાણી ભેગું કરવામાં આવ્યું હતું. જેમાંથી ગામના લોકો ઉનાળા દરમ્યાન આ પાણીનો ઉપયોગ કરતા હતાં.
આ વર્ષે પણ સોર્સ કૂવામાં પાણીની અછત જણાતા ત્યાંથી ૨૦૦ મીટર દૂર આવેલા પંચાયતના અન્ય કૂવામાંથી પાઇપલાઇન દ્વારા મૂળ સુધી પાણી પહોંચાડવાની કામગીરી યુદ્ધ સ્થળ પર કરવામાં આવેલ છે. ઓટા મલંગદેવ વિસ્તારમાં ચાલુ ઉનાળામાં પાણીની ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કમર કસીને કોરોના કાળમાં પણ તૈયાર છે. અલગ-અલગ તાલુકાની હેન્ડ પંપ ટીમો દ્વારા હેન્ડપંપ રીપેરીંગ અને હેન્ડ પંપ ઉંડા ઉતારવાનાની કામગીરી ત્વરિત રીતે કરવામાં આવી છે. રાસમાટી ગામ જેવી જ વ્યવસ્થા અને કામગીરી તમામ ગામોમાં કરવા જિલ્લા વહીવટી તંત્ર તૈયાર છે અને ચાલુ ઉનાળામાં કોઈ ગામમાં પીવાના પાણીની સમસ્યા ઉભી ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. પીવાના પાણીનો દુરુપયોગ કે અન્ય ઉપયોગ કરનાર સામે કાયદાકીય પગલાં લેવા પણ જિલ્લા વહીવટી તંત્ર તમામ રીતે તૈયાર છે.
……………………………