તાપી જિલ્લાના નાગરિકો જ હવે કોરોનાને હરાવશે: અત્યાર સુધી 98 હજારથી વધુ લોકોએ કોરોના પ્રતિરોધક રસી લીધી
વેક્સિન અંગે લોકો જાગૃત થયા છે જેના પરિણામ સ્વરૂપે તાપીમાં 98311 લોકો વેક્સિનનો ડોઝ લઈ ચૂક્યા છે: ડો. હર્ષદ પટેલ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.26: તાપી જિલ્લામાં કોરોનાની ગતિ પર બ્રેક લગાવવા માટે જિલ્લા વહિવટી તંત્રએ રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવી જિલ્લાના છેવાડા સુધી લોકોને રસીકરણ હેઠળ આવરી લેવા ઝૂંબેશ હાથ ધરી છે. શરૂઆતમાં રસી લેવા માટે લોકો અચકાતા નજરે પડી રહ્યા હતા. પરંતુ કોરોનાની રસીની કોઈ આડઅસર ન જણાતા લોકોએ કોરોનાની ગતિને રોકવા માટે રસી લેવા આગળ આવ્યા અને બીજા લોકોને પણ રસી લેવા માટે સૂચનો કરી રહ્યા છે. જિલ્લા કલેકટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રના સંકલનથી જિલ્લામાં રસીકરણની કામગીરી વેગવાન બની છે. આ કામગીરીમાં જે રીતે લોકોએ તંત્રને સહકાર આપ્યો તે ખરેખર સરાહનિય છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હર્ષદ પટેલે જિલ્લાના નાગરિકોને વેક્સિન અંગે જાગૃત કરવા માટે પોતે પણ અગાઉ ડોઝ લઈ ચૂક્યા છે અને આજે જિલ્લાના લોકો વધુને વધુ પ્રમાણમાં વેક્સિન લેવા આગળ આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, વેક્સિન અંગે લોકો જાગૃત થયા છે જેના પરિણામ સ્વરૂપે તાપીમાં અત્યાર સુધી 98311 લોકો વેક્સિનનો ડોઝ લઈ ચૂક્યા છે. તેમના દ્વારા મળેલ વિગતો મુજબ આજ દિન સુધી જિલ્લામાં 98311 નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી છે. જે પૈકી વ્યારા તાલુકામાં 24180, ડોલવણમાં 12232, સોનગઢમાં 27092, વાલોડમાં 13808, ઉચ્છલમાં 8760, નિઝરમાં 7725, કુકરમુંડામાં 4514 લાભાર્થીઓએ રસીનો લાભ લીધો છે. આમ તાપી જિલ્લામાં કુલ-98311 નાગરિકોએ કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લઇ કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦૦