ગુજરાત રક્ષાએ પ્રસિદ્ધ કરેલ અહેવાલને સમર્થન આપતી ઘટના : અંદાજે દસ વિજપોલ એક સાથે ધરાશય
આ ઘટનાથી નિઝરની વિજકંપનીએ આડેધડ ઉભા કરી દેવામાં આવેલ વીજપોલોની કામગીરીમાં બેદરકારી દાખવ્યાનું સ્પષ્ટ થઈ જાય છે.
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા): ગુજરાત રક્ષાએ આજથી પાંચ દિવસ અગાઉ નિઝરના વેલ્દા તેમજ તાલુકામાં વારંવાર વીજકરંટ લાગવાની ઘટનાઓનું વિશ્લેષણ કરી જેનું મુખ્ય કારણ આડેધડ ઊભા કરી દેવામાં આવેલા વિજપોલ તેમજ લટકતા અને ઝુલતા વિજતાર હોવાનું વાચકો સમક્ષ રજૂ કર્યુ હતુ, જે અહેવાલ પ્રસિદ્ધ કર્યાના માત્ર ચાર દિવસમાં નિઝરના મુબારકપુરા અને કૌઠલી ગામ વચ્ચે ખેતરોમાં વિજપોલ ડિપી સહિત પડી ગયાની ઘટના સામે આવી છે. આ ઘટના આડેધડ ઊભા કરી દેવામાં આવેલા વિજપોલ તેમજ લટકતા અને ઝુલતા વિજતાર અંગે ગુજરાત રક્ષાએ પ્રસિદ્ધ કરેલ અહેવાલને સમર્થન આપી રહી છે. વિજકંપનીએ જનહિત જોખમમાં મુકાતુ હોવા છતાં જેની નોંધ લીધી ન હતી.
નિઝર તાલુકાના મુબારકપુરા અને કૌઠલી ગામ વચ્ચે ખેતરોમાં વિજપોલ ડિપી સહિત પડી ગયા હતા. નિઝર તાલુકાની દક્ષિણ ગુજરાત વિજ કંપની તરફથી ખેતીવાડીની સિચાંઇ માટે વિજ લાઇન આપવામાં આવેલ છે, તારીખ: 12/11/2019ના રોજ જીવંત તાર અને વિજપોલ ડિપી સહિત ખેતરોમાં ધસી પડયા હતા. સમય સંજોગ અનુસાર ખેતરોમાં કામ કરતા ખેડુતો કે પછી મજુરો ખેતરોમાં ના હોવાથી મોટી જાનહાનિ થતા બચી ગઈ હતી. વિજપોલ-ડિપી બપોરે 2:30 થી 3:00 ના સમયે પડી ગયા હતા. જે ખેતરમાં વિજપોલ-ડિપી પડી ગયા હતા તે ખેતર માલિકના નામો આ મુજબ છે. 1 અનિલભાઇ જે.પાડવી, 2 કિશનભાઇ કૃષ્ણાભાઇ પાડવી. ખેતરોમાં અંદાજે 10 થી 12 વિજપોલ પડી જવા પામ્યા હતા, ખેતરોમાં જીવંતતારો, વિજપોલ અને ડિપી પડી હતી. જયારે આ ઘટના ઘટી ત્યારે કોઇ ખેડુતો કે મજુરો હાજર ન હોવાથી કોઇ જાનહાની થઇ નથી. તુરંત જ બંને ગામના લોકો ઘટના સ્થળ પર પહોંચી નિઝરની વિજકંપનીના કમૅચારીને ફોન કરીને ઘટનાની જાણ કરી વિજપ્રવાહ બંધ કરાવ્યો હતો. વારંવાર નિઝર વિજકંપનીની લાપરવાહીની ઘટનાઓ સામે આવી રહી છે, વારંવાર વિજપોલ પડવાથી નિઝરની વિજકંપનીએ આડેધડ ઉભા કરી દેવામાં આવેલ વીજપોલોની કામગીરીમાં બેદરકારી દાખવ્યાનું સ્પષ્ટ થઈ જાય છે