કોરોનાની બીજી લહેરમાં લોકોને મદદરૂપ થવા બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા શરૂ કરાયેલા કંટ્રોલરૂમને બહોળો પ્રતિસાદ
કોરોના સારવાર માટે પ્રજાના પ્રશ્નોને વહિવટીતંત્ર સુધી પહોચાડી સરળતાથી ઉકેલ લાવવા માટે કન્ટ્રોલરૂમ થકી સતત પ્રયાસો
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : દેશમાં આવેલી વૈશ્વિક કોરોના મહામારીની બીજી લહેર આકસ્મિક, તીવ્ર અને વધુ વ્યાપક છે. નવા સ્ટ્રેઈનને કારણે સંક્રમણનું પ્રમાણ ઝડપભેર વધ્યું છે. આવી પરિસ્થિતિમાં લોકોની મુશ્કેલી નિવારવા બારડોલીના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના પ્રયાસોથી તા.૧૨મી એપ્રિલથી સઠવાવ આશ્રમ શાળા ખાતે કોવિડ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. ટુંકા ગાળામા કોરોના કંટ્રોલ રૂમની વ્યવસ્થાને કારણે અનેક લોકોને મદદ મળી છે. આ સાથે માંડવી રેફરલ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં પરિવર્તિત કરી ૩૦ બેડની વ્યવસ્થા કરાવી જેમાં હાલ ૪૦ જેટલા દર્દીઓની સારવાર કરવામા આવી રહી છે.
આ કંટ્રોલ રૂમ ખાતે શિલ્પેશભાઇ રાવલ, ભાગ્યેશ શુકલ, કિંજલ ચૌધરી, અરૂણ ગામીત સહિતના સ્વયંસેવકો છેલ્લા અઠવાડીયાથી સતત ૨૪ કલાક કામગીરી કરી રહ્યા છે.
કંટ્રોલ રૂમ પરથી વહિવટીતંત્રના પ્રમુખ અધિકારીઓ, ચુંટાયેલા જનપ્રતિનિધિઓ લોકોના સંપર્કમાં રહીને કોરોનાને લગતા પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ માટે પ્રયત્નો કરી રહ્યા છે. બારડોલી, માંડવી તથા વ્યારા ખાતેની હોસ્પિટલોમા સંક્રમિતોના ઓચિંતા ઘસારાના કારણે ઓક્સિજનની અછત ઉભી થવાની શકયતાને પહોંચી વળવા તાત્કાલિક પલસાણા, કિમ તથા અંકલેશ્વરમાંથી ઓક્સિજનની કંપનીઓ સાથે સીધો સંપર્ક કરી ઓક્સિજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. તાપી જિલ્લાના સંક્રમિત દર્દીઓ માટે રેમડેસિવીર ઈન્જેકશનની જરૂરિયાત હોવાથી તાપી જિલ્લાના કલેકટરશ્રીએ ગાંધીનગર સંકલન કરી તાપી જિલ્લામાં વ્યારા સિવિલ હોસ્પિટલમાં ઈન્જેકશનનો ખાસ જથ્થો પહોંચાડવામાં આવ્યો. તાપી જિલ્લાના ગંભીર કોરોના દર્દીઓને વેન્ટીલેટરની જરૂરીયાત ઉભી થતા આરોગ્ય અધિકારી તેમજ સરકારીતંત્ર સાથે સતત પરામર્શ કરી ર૫ વેન્ટીલેટરની ફાળવણી કરવામાં આવી.
સુરત જિલ્લામાં બારડોલી ખાતે માલીબા કેમ્પસમાં ૭૭ ઓક્સિજન બેડ સાથે ૧૫૪ બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યુ. આ ઉપરાંત વાંકલ સરકારી ક્ન્યા છાત્રાલય ખાતે કાર્યરત ૧૨૦ બેડના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી અને ટુંક સમયમા જ ૫૦ થી ૬૦ જેટલા ઓક્સિજન બેડની સુવિધા કરવામાં આવી. સાર્વજનિક સ્મશાન ગૃહ કડોદરા ખાતે અગ્નિસંસ્કાર અર્થે લાકડાની અછત સર્જાતા ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ સંપર્કને ધ્યાનમાં રાખી પૂરતા લાકડા, પરિવહન ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કોરોનાની સારવાર માટે પ્રજાના દરેક પ્રશ્નોને વહિવટીતંત્ર સુધી પહોચાડી સરળતાથી ઉકેલ લાવવા માટે આ કન્ટ્રોલરૂમથી સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સાથોસાથ ઓક્સિજન, બેડની ઉપલબ્ધતા, રેમડેસિવિર ઈન્જેક્શનો સહિતની આરોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં પણ સાંસદ પ્રભુભાઈ અને તેમની ટીમ સતત કાર્યશીલ છે.