RTPCR ટેસ્ટ, કોન્ટેક્ટ ટ્રેસીંગ અને વેક્શિનેશન વધારી લોકોની સુરક્ષા સુનિશ્વિત કરીએ : -પ્રભારી સચિવશ્રી મિલિન્દ તોરવણે

Contact News Publisher

કોવિડ-૧૯ સંદર્ભે વ્યારા ખાતે તાપી જિલ્લા પ્રભારી સચિવ
શ્રી મિલિન્દ તોરવણેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

કોરોના ટેસ્ટ અને રસીકરણ માટે આગળ આવવા
તાપી કલેકટર આર.જે.હાલાણીએ લોકોને આહવાન કર્યુ

(માહિતી બ્યુરો દ્વારા; વ્યારા) : કોવિડ-૧૯ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકારે ખાસ કાળજી લઇ સચિવશ્રી નાણાં વિભાગ(ખર્ચ) અને જિલ્લાના પ્રભારી સચિવશ્રી મિલિન્દ તોરવણેને વિશેષ જવાબદારી સોંપી છે.ત્યારે પ્રભારી સચિવશ્રીએ આજે તાપી જિલ્લાની મુલાકાત લઇ જિલ્લા સેવાસદનના સભાખંડમાં કોવિડ-૧૯ સંદર્ભે નોડલ ઓફિસરોની સાથે બેઠક યોજી જિલ્લામાં કોરોના પરિસ્થિતી બાબતે સમીક્ષા કરી હતી.
બેઠકમાં પ્રભારી સચિવશ્રી તોરવણેએ કોરોનાની જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી અંગેની વિસ્તૃત માહિતી મેળવી સમીક્ષા કરી હતી. તાપી જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા કોન્ટેક્ટ ટ્રેસીંગ,આઈસોલેશન અને વેક્શિનેશન વધારી લોકોની સુરક્ષા સુનિશ્વિત કરવા પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું હતું.
કોવિડ-૧૯ ના સંક્રમણને વધતુ અટકાવવા લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે,માસ્ક પહેરે અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તેમજ વધુને વધુ લોકો વેકસિનેશન લે તે માટે પ્રચાર-પ્રસાર વધારવાનું જણાવી શરદી,ખાંસી,તાવના દર્દીઓ શોધવાની કામગીરી આરોગ્ય શિક્ષણ અને આરોગ્ય-આંગણવાડીની સંયુક્ત ટીમો બનાવીને કામગીરી ઝડપી બનાવવા સૂચન કર્યુ હતુ. વિશેષમાં જિલ્લામાં અપેક્ષિત ૪૫ વર્ષ કરતાં વધુ ઉંમરના ૧,૫૯,૦૦૦ નાગરિકોનું રસીકરણ પણ આ સંયુક્ત ટીમ મારફત થાય ઉપરાંત સખી મંડળ, દૂધ ડેરી, ધાર્મિક આગેવાનો તથા પદાધિકારીઓના સાથ સહકારથી રસીકરણની કામગીરીને વેગવંતી બનાવવા સબંધિત અધિકારીઓને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. તેમણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ વિભાગોના પરસ્પર સહકાર અને સંકલનથી કામગીરી કરવા જણાવી જનસમુદાય સાથે પદાધિકારીઓનો પણ સહયોગ મેળવી કામગીરી કરવા જણાવ્યુ હતુ.
સચિવશ્રીએ ખાસ કરીને કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવ્યા હોય તેવા તમામ લોકોના કોન્ટેક્ટ ટ્રેસીંગ કરી તેમનો ટેસ્ટીંગ કરવામાં આવે તથા હોમ આઇસોલેશન કરવામાં આવેલ દર્દીઓ અન્ય કોઇપણ વ્યક્તિના સંપર્કમાં ન આવે તેનું મોનીટરીંગ કરવામાં આવે જેથી સંક્રમણ ફેલાતું રોકી શકાય.તેમણે પાન પાર્લરવાળા, શાકભાજીની લારીવાળા, અમૂલ પાર્લર, રીક્ષાવાળા, દુકાનદારો, વ્યાજબી ભાવના દુકાનદારો અને પેટ્રોલ પંપ સહિત સુપર સ્પ્રેડર કહી શકાય તેવા તમામ લોકોને કોરોના રસીકરણમાં આવરી લેવા તથા ૪૫ વર્ષ ઉપરના નાગરિકો અને સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા આઉટસોર્સ સહિત તમામ કર્મચારીઓનું રસીકરણ કરવા જણાવ્યું હતું. તેમણે જિલ્લામાં કાર્યરત સરકારી અને પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલોમાં ઉપલબ્ધ કુલબેડ, વેન્ટીલેટર, વિગેરે અંગે વિગતવાર માહિતી મેળવી હતી. લોકો ઘરની બહાર નિકળે ત્યારે ફરજીયાત માસ્ક પહેરે તે સબંધે કડક ચેકિંગ કરવા ડીવાયએસપીશ્રી માવાણીને સુચના આપી હતી.
બેઠકમાં જિલ્લા કલેકટર આર.જે.હાલાણીએ પ્રેઝન્ટેશન મારફત જિલ્લામાં પ્રવર્તમાન કોવિદની પરિસ્થિતી રજુ કરી વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં સઘન સર્વેલન્સ, ટેસ્ટીંગ અને રસીકરણની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેથી કોરોના સંક્રમણને અટકાવી શકાય. કલેક્ટરશ્રીએ જીલ્લાના પોઝીટીવ કેસો, કન્ટેઈનમેન્ટ ઝોન,કોવિડ ટેસ્ટીંગ, કોન્ટેક્ટ ટ્રેસીંગ તેમજ સારવાર,ધનવંતરી આરોગ્યરથ, પીંક અને અંબર ઝોનની સ્થિતી, કોવિદ હોસ્પિટલ, હેલ્થ કેર સેન્ટર ખાતે ઉપલબ્ધ બેડ અને આનુષાંગિક સુવિધાઓની વિગતવાર જાણકારી આપી હતી.
કલેકટરશ્રી હાલાણીએ વધુમાં કોરોના ટેસ્ટીંગ અને રસીકરણ માટે આગળ આવવા લોકોને આહવાન કરતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણ રોકવા માટે માસ્ક ફરજીયાત પહેરીએ, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીએ અને જે વયજુથના લોકોને અત્યારે રસી આપવાનું ચાલુ છે તેઓ કોઇપણ પ્રકારનો મનમાં ડર રાખ્યા સિવાય અવશ્ય રસી મુકાવે જેનાથી પોતાની સાથે પરિવારની પણ સુરક્ષા થઇ શકે.
બેઠકમાં ઈ.ચા.જિલ્લા વિકાસ અધિકારી જે.જે.નિનામા, અધિક નિવાસી કલેકટર બી.બી.વહોનીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. હર્ષદ પટેલ, વ્યારા સીવીલ સર્જનશ્રી ર્ડા. નૈતિક ચૌધરી, પ્રાંત અધિકારી હિતેષ જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડીયા, નાયબ પોલિસવડા આર.એલ.માવાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other