આંબાની ફળમાખી અને તેનું સંકલિત નિયંત્રણ

Contact News Publisher

આંબાની ફળમાખી એ આંબાનો છુપો દુશ્મન છે. દક્ષિાણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાંથી કેરીની નિકાસ અવરોધનું સૌથી મોટુ પરિબળ હોય તો તે ફળોમાં ફળમાખીની હાજરી છે. દુનિયામાં ફળમાખીની ૪૩૫૨ જેટલી પ્રજાતિઓ ફળોને નુકસાન કરતી નોંધાયેલ છે જેમાંથી ૨૦૦ જેટલી પ્રજાતિઓ ભારતમાંથી નોંધાયેલ છે ગુજરાતમાં સાત પ્રજાતિઓની હાજરી જણાયેલ છે. અમુક દેશોમાં અમુક પ્રજાતિ ગેરહાજર હોય છે આથી બીજા દેશોમાંથી જે તે દેશમાં ન હોય તેવી પ્રજાતિ દાખલ ન થઈ જાય તે માટે વિશ્વના દેશો ખુબ જ કાળજી લેતાં હોય છે. આપણાં દેશમાંથી પણ ફળમાખીથી ઉપદ્રવીત ફળ અન્ય દેશમાં પુરેપુરો નિકાસ કરેલ જથ્થો પરત કરવામાં આવે છે અને કેરીની સંગ્રહ શકિત ઓછી હોય આવો જથ્થો પરત આવે ત્યાં સુધીમાં બગડી જાય છે અને ફરી ઉપયોગમાં લઈ શકાતો નથી તેથી તેનો નાશ કરવો પડે છે.
ઓળખ :
આંબાની ફળમાખીના ઉપદ્રવની જાણકારી બહારથી મળી શકતી નથી આ જીવાતની માખી જેટલાં કદની (અમુક પ્રજાતિ કદમાં માખી કરતાં મોટી હોય છે જયારે અમુક નાની) હોય છે પુખ્ત માદા તેના અંગનિક્ષોપક દ્વારા ફળના છાલની નીચેની બાજુ લગભગ ૮ થી ૧૦ જેટલાં ઈંડા મુકે છે જે જગ્યાએ ઈંડા મુકાય છે ત્યાં નાનુ કાણું પડે છે જેને ટુવો પડયો તેમ કહેવાય છે. પુખ્ત થયેલ ઈયળ જમીન પર પડી જમીનની અંદર કોશેટામાં ફેરવાય છે અને તેમાંથી ફરી પુખ્ત માખી બની ઉપદ્રવ શરૂ કરે છે. ફળમાખી બદામી રંગની અને રંગીન ડાધા ધરાવતી પારદર્શક પાંખોવાળી હોય છે. માખીના પગો પીળા રંગના હોવાથી સોનેરી માખી તરીકે પણ ઓળખાય છે. પૂર્ણ વિકસીત કીડા ૮ થી ૯ મી.મી. લાંબા અને ઝાંખા સફેદ રંગના પગ વગરના હોય છે જે મોઢાના ભાગ તરફ અણીદાર હોય છે. આંબામાં નુકસાન કરતી વિવિધ પ્રજાતિની ફળમાખી ચીકુ,જામફળ, કેળા જેવા ફળોમાં પણ જોવા મળે છે. આ જીવાતનો ઉપદ્રવ નીચે પડેલા ફળોમાં સૌથી વધુ જોવા મળે છે. દક્ષિાણ ગુજરાતમાં મોડી પાકતી જાતોમાં ફળમાખીનો ઉપદ્રવ વધુ રહેવાની શકયતાઓ હોય છે.

જીવનક્રમ :
દક્ષિાણ ગુજરાતમાં ચીકુના પાકમાં આ જીવાતનો ઉપદ્રવ આખા વર્ષ દરમ્યાન જોવા મળે છે. કેરીના પાકમાં મે થી ઓગષ્ટ દરમ્યાન સૌથી વધુ ઉપદ્રવ જોવા મળે છે. પુખ્ત કીટક પાકા ફળોમાંથી નીકળતા રસ તેમજ કેટલાક કીટકોના શરીરમાંથી ઝરણ થતાં ચીકણા મધ જેવા પ્રવાહી ખાઈને ચાર મહિના સુધી જીવી શકે છે. દશ થી પંદર દિવસ બાદ માદા કીટક ફળની છાલની નીચે ૧ થી ૪ મી.મી. ઉંડાઈએ ર થી ૧પના જથ્થામાં ઈંડા મૂકે છે. એક માદા ફળમાખી આશરે ર૦૦ જેટલા ઈંડા મૂકે છે. ઈંડા અવસ્થા ર થી ૩ દિવસની હોય છે. કીડો ત્રણ વખત કાંચળી બદલીને ૬ થી ર૯ દિવસમાં પૂર્ણ વિકસીત બને છે. પૂર્ણ વિકસીત કીડો ફળમાંથી બહાર નીકળી જમીનમાં ૮ થી ૧પ સે.મી. ની ઉંડાઈએ કોશેટામાં રૂપાંતર પામે છે. કોશેટા અવસ્થા જે તે ઋતુ મુજબ ૬ થી ૪૪ દિવસની હોય છે. આ રીતે ર થી ૧૩ અઠવાડિયામાં જીવનક્રમ પુરો થાય છે. વર્ષમાં ૧૦ થી ૧ર પેઢીઓ તૈયાર થાય છે.
નુકશાન :
આ જીવાતની માદા માખી ફળની છાલની નીચે ઈંડા મૂકે છે. પરિણામસ્વરૂપ કાણામાંથી રસ ઝરે છે. ઈંડા મુકેલી જગ્યાએ ફળનો વિકાસ અટકી જવાથી ફળની સપાટી પર દબાયેલા ખાડા જોવા મળે છે. જેના પરથી પણ ઉપદ્રવનો ખ્યાલ આવી શકે છે. ઈંડા મુકતી વખતે પડેલ કાણામાંથી બેકટેરીયા જેવા સુક્ષમ જીવાણુ દાખલ થાય છે આથી તે ભાગ સડવા માંડે છે. વળી આ જીવાતના નિયંત્રણ માટે કેરી પાકતી વખતે જંતુનાશક દવાના છંટકાવ કરવાથી દવાના અવશેષ કેરી સાથે જવાની ખુબ જ શકયતાઓ રહેતી હોય છે. કેરી કાચી હોય ત્યારે ઉપદ્રવનો ખ્યાલ આવતો નથી અનુકૂળ પરિસ્થીતિમાં ઈંડામાંથી કીડા નીકળી ફળની અંદરનો ભાગ ખાવાનું શરૂ કરે છે. પરિણામ સ્વરૂપ ફળમાં કહોવાટ પેદા થાય છે. અંતે ઉપદ્રવિત ફળ ઝાડ પરથી ખરી પડે છે. આ રીતે ઉત્પાદન પર માઠી અસર થાય છે. કેરી પાકવાના સમયે ઉપદ્રવ હોય તો કેરી ઉતાર્યા બાદ પકવવા માટે વખારમાં પાથરવામાં આવે ત્યારે ઈંડાઓનુ સેવન થાય છે. ઈંડામાંથી નીકળતા કીડા પાકતી કેરીનો અંદરનો ગર્ભ ખાતા હોવાથી ઉપદ્રવિત ફળમાંથી તીવ્ર પ્રકારની અણગમતી વાસ આવે છે. જયારે ફળ પાકે છે એ આપણે ખાવા માટે કાપીએ છીએ ત્યારે તેમાં સફેદ કીડીની હાજરી જોવા મળે છે અને આવી કેરીનો આપણે ઉપયોગ કરી શકતા નથી. ફળ ખાવા લાયક રહેતા નથી. આ રીતે કેરી ખરીદનારને નુકશાન થાય છે જયારે જે તે વિસ્તારના ખેડૂતોની શાખ ઉપર અસર થાય છે.

નિયંત્રણ વ્યવસ્થાપન :
ફળમાખીના નિયંત્રણ માટે નીચે દર્શાવેલા ઉપાયો સામુહિક રીતે હાથ ધરવાથી અસરકારક નિયંત્રણ થઈ શકે છે.
 ફળમાખીની કોશેટા અવસ્થા જમીનમાં પસાર થતી હોવાથી આંબાવાડીયામાં સ્વચ્છતા જાળવવી તેમજ નીચે ખરી પડેલ ઉપદ્રવિત ફળોને દરરોજ ભેગા કરી તેને ઉંડા ખાડામાં દાટી પાણીથી ખાડાને તર કરી દેવાથી ઉપદ્રવિત ફળમાં રહેલા કીડાનો નાશ થઈ શકે છે. અથવા ફળોને પ્લાસ્ટિક પોલિથીનમાં ભરી હવાબંધ કરી સૂર્યપ્રકાશમાં બે દિવસ રાખવાથી ઉપદ્રવીત ફળોમાંથી ઇઅળો બહાર આવી મૃત્યુ પામસે અને ત્યારપછી પોલિથીન બેગમાંથી ફળોને બહાર કાઢી ખાડામાં દાંટી દેવા.
 ઝાડની ફરતે અવારનવાર ખેડ અથવા ગોડ કરવાથી કોશેટાનો નાશ થાય છે.
 કાળી તુલસીના પાનમાં મિથાઈલ યુજીનોલ નામનું રસાયણ હોય છે જે Bactrocera dorsalis, B. zonata અને B. correcta જાતીના નર કીટકોને આકર્ષતું હોવાથી આંબાવાડીયા તેમજ શેઢા પર કાળી તુલસીનું વાવેતર કરી તુલસીના છોડ પર ફેન્થીઓન ૧૦૦ ટકા ઈસી ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને કેરીની સીઝન દરમ્યાન ૧પ દિવસના અંતરે છંટકાવ કરવાથી નર ફળમાખીનું નિયંત્રણ કરી શકાય છે.
 મિથાઈલ યુજીનોલ ટ્રેપ હેકટર દીઠ ચાર થી પાંચ અથવા ૧૦ ઝાડ દીઠ એક ટ્રેપ ગોઠવી ફળમાખીના નર કીટકોને આકર્ષીને નાશ કરી શકાય છે. અને દર અઠવાડિયે ટ્રેપમાં ભેગી થયેલ ફળમાખીને એકઠી કરી નાશ કરવો.
 મિથાઈલ યુજીનોલ ટ્રેપનો એકલ દોકલ ખેડૂત કરતાં સામૂહિક ધોરણે ખાસ કરી સહકારી મંડળીઓ મારફત મોટા વિસ્તારોમાં આંબા, ચીકુ, કેળા, જામફળ જેવા પાકોમાં આખા વર્ષ દરમ્યાન કરવામાં આવે તો નરની વસ્તી ખુબ જ ઓછી કરી આ જીવાતને નિયંત્રણમાં લઈ શકાય તેમ છે. ટ્રેપના ઉપયોગ સાથે આંબા, ચીકુ, જામફળની વાડીમાં નીચે પડેલા ફળોને વીણી નાશ કરવો પણ તેટલો જ જરૂરી છે. તોજ આપણે આ જીવાતને આપણા વિસ્તારમાંથી ઓછી કરી શકીશું.
 જો ફળમાખીની વસ્તી/સંખ્યા ખૂબ વધારે હોય (> ૫/સર્વેલન્સ ટ્રેપ),ઝાડના થડ પર એક લિટર પાણીમાં ૧૦૦ ગ્રામ ગોળ અને ૨ મિલી ડેલ્ટામેથ્રિન ૨.૮ ઇસી ભેળવીને પ્રલોભિકા બનાવી અઠવાડિયાના અંતરે છાંટવી

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *