તાપી જિલ્લામાં તા. ૮મી માર્ચે વિશ્વ મહિલા દિવસ ઉજવાશે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઇના જણાવ્યા મુજબ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પ્રતિ વર્ષ તા.૮મી માર્ચના રોજ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજકિય ક્ષેત્રે વિશિષ્ટ ઉપલબ્ધિ મેળવનાર મહિલાઓના સન્માનમાં આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરુપે તાપી જિલ્લામાં પણ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ૮મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.
આ પ્રસંગે મહિલા શક્તિ કેન્દ્ર, વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર અને “સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા ગ્રામ્ય, તાલુકા, જિલ્લાઅ કક્ષાએ મહિલાઓને સ્પર્શતા વિવિધ વિષય પર વિવિધ હિતધારકો જેવા કે સરકારી અધિકારીઓ, ચૂંટાયેલ પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થા, શાળા અને કોલેજ સાથે મળી બેટી બચાવો-બેટી પઢાવો, મહિલા સુરક્ષા, શિક્ષણ, ઘરેલુ હિંસા, કામકાજના સ્થળે જાતિય સતામણી, મહિલા લક્ષી સરકારી યોજનાઓ અંગે લોકજાગૃતિ લાવવાના હેતુથી મંહેંદી સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને પ્રદર્શન જેવા કાર્યકમો યોજી મહિલા સશક્તિકરણ અને જેન્ડર અવરનેસ લાવવાનું આયોજન કરવામાં આવેલ છે.
૦૦૦૦૦