‘સખી’ વન સ્ટોપ સેન્ટરે ગુમ થયેલ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા): તાપી જિલ્લામાં જિલ્લા તંત્ર સાથે તેમની સાથે સંકળાયેલ તમામ વિભાગો પોત પોતાની સર્વશ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે અને લોકહિતમાં પોતાની ફરજો નિભાવી રહ્યા છે. અગાઉ તાપી જિલ્લાની અભયમ ટીમે નવસારીની ટીમ અભયમ સાથે સંયુક્ત રીતે મળીને એક મહિલાને પોતાના ઘરે પહોંચાડ્યા તે જ રીતે હવે તાપી જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરે પણ પોતાની શ્રેષ્ઠ કામગીરી બજાવી એક મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવવા જહેમત હાથ ઉઠાવી હતી અને તેમાં સફળતા મળી છે.
સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા એકલા અટવાયેલ ભૂલા પડેલ મહિલાને તા.13.02.2021ના રોજ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતાં. જેઓ સોનગઢ ટાઉનમાં શાકભાજી યુવક મંડળ ગ્રાઉન્ડ ખાતેથી ભૂલા પડ્યા હતા. મહિલા સેન્ટરમાં આશ્રય મેળવ્યા બાદ સંસ્થા દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ જેમાં જાણવા મળ્યું કે તેઓની સ્થિતિ હાલ બોલી શકવા જેવી નથી તેમજ માનસિક અસ્વસ્થ જણાતા તેમણે હોસ્પિટલ ખાતે માનસિક રોગ નિષ્ણાંત પાસેથી સારવાર કરવામાં આવી હતી. થોડા દિવસો બાદ તેઓ થોડા સ્વસ્થ થતા વાતચીત કરતા તેમનું સરનામું મળી આવ્યુ જે બાદ સખી સેન્ટર દ્વારા પરિવારને તા.22.02.2021ના રોજ સેન્ટર બોલાવી તેઓનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ અને મહિલાની સારવાર ચાલુ રાખવા પરિવારને સુચન કરી પરિવાર સાથે તે મહિલાનું સુખદ મિલન કરાવ્યુ હતું.
૦૦૦૦૦